VS હોસ્પિટલના કૌભાંડ બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો, EWS ક્વોટામાં ખોટી રીતે એડમિશન આપ્યા હોવાનો દાવો

અમદાવાદઃ VS હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ કેસ મામલે તપાસ કમિટીના સભ્ય અને NHL મેડિકલ કોલેજના ડીન ડૉ. ચેરી શાહ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ચેરી શાહે આચરેલી ગેરરીતિના પુરાવા રજૂ કર્યા છે.
ચેરી શાહે NHL મેડિકલ કોલેજમાં EWS કવોટમાં ખોટી રીતે એડમિશન કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં ડો. ચેરી શાહે એડમિશન કૌભાંડ આચર્યું હોવાનો ખુલાસો થયો છે. ક્વોટામાં ડૉ. ગતિ શાહને EWS કવોટામાં ખોટી રીતે એડમિશન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ડૉ. ગતિ શાહ NHL કોલેજના ડૉ. કરણ શાહના પત્ની છે. કરણ શાહ ડોક્ટર હોવા છતાં તેમની પત્નીને EWSનું સર્ટિફિકેટ કેવી રીતે મળ્યું તે તપાસનો વિષય છે.
મહિને લાખો રૂપિયાનો પગાર મેળવતા કરણ શાહના પત્ની ગતિ શાહ કેવી રીતે EWS ક્વોટામાં આવી ગયા તે તપાસનો વિષય છે. ખોટા ડોક્યુમેન્ટ બનાવી EWS ક્વોટામાં એડમિશન લીધું હોવાનો કોર્પોરેટર રાજશ્રી કેસરીએ આક્ષેપ કર્યો છે. તેમણે પાંચ એડમિશન ખોટા આપવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. જેમાં ડૉ. અન્સારી, ડૉ. પૂજા, ડૉ. મયુરી, ડૉ. ગતિ શાહ અને ડૉ.બિંદિયાનો સમાવેશ થાય છે. તપાસ કમિટીના સભ્યો કૌભાંડમાં સંકળાયેલા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે તપાસ કરવા રાજશ્રી કેસરીએ માગ કરી છે. મ્યુનિસિપલ કમિશનરને તમામ પુરાવા રજૂ કરી તપાસ કરવા માગ કરી છે.