VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ, 8 ડોક્ટરો સસ્પેન્ડ

અમદાવાદઃ મહાનગરપાલિકા સંચાલિત વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ સામે આવ્યું છે. જેમાં હોસ્પિટલના પૂર્વ ડીન મનીષ પટેલ સહિત ડોક્ટરોએ નિયમો નેવે મૂકી ટ્રાયલ કર્યા હોવાનું ખૂલ્યું છે.
દર્દીઓ પર ડોક્ટરોની મિલીભગતથી દવાઓનું ટ્રાયલ થતું હતું. ગરીબ દર્દીઓ પર ટ્રાયલ કરીને કરોડો રૂપિયા કમાનારા 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિજિલન્સની તપાસને આધારે ફાર્માકોલોજિસ્ટ એક્સપર્ટને પણ સસ્પેન્ડ કર્યા છે. ફાર્માકોલોજિસ્ટ એક્સપર્ટ ડૉ. દેવાંગ રાણાને તત્કાલ અસરથી સસ્પેન્ડ કર્યા છે.
ટ્રાયલમાં મળેલા કરોડો રૂપિયા પરિવાર કે પરિચિતોના બેંક એકાઉન્ટમાં જમા કર્યા હોવાનું વિજિલન્સ તપાસમાં ખુલ્યું છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ડૉ. મનીષ પટેલ નિવૃત્ત થઈ ગયા છે. ક્લિનિકલ રિસર્ચના નામે ગેરરીતિ કરવામાં આવી હતી. આ બાબતે NHL મેડિકલ કોલેજના સુપરિન્ટેન્ડન્ટ, વિજિલન્સ ડાયરેક્ટર સહિતની વિજિલન્સ તપાસ ટીમ બનાવાઈ હતી.
પ્રાથમિક અહેવાલમાં ખોટી રીતે ટ્રાયલ કરી ગેરશિસ્ત અને નાણાંકીય કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે Dymc ભરત પરમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ છે કે, ક્લિનિકલ ટ્રાયલ અંગે કમિશનરને ફરિયાદ મળી હતી. આ બાબતે વિજિલન્સ તપાસ માટે ટીમ બનાવી હતી. જે ડોક્યુમેન્ટ મળ્યા તેના આધારે પ્રથમ રિપોર્ટ આપ્યો છે. રિપોર્ટના આધારે પ્રાથમિક પગલાં લેવાયા છે. આ મામલે તપાસ હજુ ચાલુ છે.
સસ્પેન્ડ કરાયેલા કોન્ટ્રાક્ટ ડોક્ટરો
- ડો. યાત્રી પટેલ, સાયકિયાટ્રિસ્ટ
- ડો. ધૈવત શુક્લ, મેડિક્લ ઓફિસર
- ડો. રાજવી પટેલ, સ્કિન સ્પેશિયાલિસ્ટ
- ડો. રોહન શાહ, ઈએનટી સર્જન
- ડો. કુણાલ સથવારા, સર્જીક્લ
- ડો. શાલીન શાહ, ડાયાબિટીસના ડોક્ટર
- ડો. દર્શિલ શાહ, યુરોલોજિસ્ટ
- ડો. કંદર્પ શાહ, કાર્ડિયોલોજિસ્ટ