VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં 3 લોકોનાં મોત – કોંગ્રેસના કોર્પોરેટરનો આક્ષેપ

અમદાવાદઃ મહાનગરપાલિકા સંચાલિત વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ રિસર્ચ કૌભાંડ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન ત્રણ દર્દીઓના મોત થયો હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ આ ખુલાસો કર્યો છે.
કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ જણાવ્યું હતું કે, VS હોસ્પિટલમાં કુલ 500થી વધુ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ક્લિનિકલ ટ્રાયલના MOUની કોપી જાહેર કરી છે. જેમાં ત્રણ દર્દીઓના ટ્રાયલ દરમિયાન મોત નીપજ્યા છે. ડૉ. પારુલ શાહ અને દેવાંગ રાણા ક્લિનિકલ ટ્રાયલ કમિટીના હેડ હતા. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવે.
તો બીજી તરફ, AMC સંચાલિત અન્ય હોસ્પિટલમાં પણ ક્લિનિકલ કૌભાંડ ચાલતું હોવાની શક્યતા છે. SVP, LG, શારદાબેન હોસ્પિટલ અને નગરી હોસ્પિટલમાં પણ આવું કૌભાંડ ચાલતું હોવાની શક્યતા છે. કોંગ્રેસના કાઉન્સિલર રાજશ્રી કેસરીએ આ તમામ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ ચાલતું હોવાની આશંકા વ્યક્ત કરી છે. તમામ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલની તપાસ કરવા માગ કરી છે. તપાસ કરવામાં આવે તો અન્ય હોસ્પિટલમાં પણ કૌભાંડ ખુલી શકે છે.