January 18, 2025

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કોંગ્રેસના MLA જીગ્નેશ મેવાણી સહિત 31 લોકોને નિર્દોષ જાહેર કર્યા

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આજે(મંગળવાર) 2017ના એક કેસમાં જીગ્નેશ સહિત અન્ય 30 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે 2017માં કોંગ્રેસના ધારાસભ્ય સહિત આ તમામ પર ગેરકાયદેસર રીતે સભા કરવાનો અને નવી દિલ્હી જતી અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર રાજધાની ટ્રેનને અડચણરૂપ કરી 20 મિનીટ સુધી રોકવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. નવી દિલ્હી જઈ રહેલી ટ્રેનને 20 મિનીટ રોકવામાં આવી હતી.

રેલવે એક્ટ કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો
જીગ્નેશ મેવાણી અને તત્કાલીન સહયોગી રાકેશ મહેરિયા અને અમદાવાદ જિલ્લાના સરોડા ગામની 13 મહિલાઓ સહિત 29 અન્ય લોકો સામે IPC કલમ 143 (ગેરકાયદેસર સભા), 147 (રમખાણો), 149 (સામાન્ય વસ્તુની ગેરકાનૂની સભા), 332 (ઇજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જાહેર સેવકને ફરજો નિભાવવાથી રોકવું અને 120 બી (ગુનાહિત કાવતરું)ની સાથે સાથે રેલવે એક્ટ કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. મેવાણી એ સરોડા ગામના રહેવાસીઓ સાથે મળીને દલિતોને ફાળવવામાં આવેલા જમીનના પ્લોટનો કબજો મેળવવાની માંગ માટે વિરોધ કર્યો હતો. જે પ્લોટ દલિતોને ફાળવવમાં આવ્યા હતા પરંતુ પ્રભાવશાળી ઉચ્ચ જાતિના લોકોના કબજામાં હતા.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં કેજરીવાલ-સંજય સિંહને રાહત

2016માં વિરોધ પ્રદર્શન અને રમખામોના આરોપો હતા
11 જાન્યુઆરી, 2017ના રોજ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ જીગ્નેશ મેવાણી અન્ય પ્રદર્શનકારીઓ સાથે ટ્રેનના એન્જિન પર ચઢી ગયા હતા અને રેલ્વે ટ્રેક પર સૂઈને ટ્રેનના પસાર થવામાં અડચણરૂપ બન્યા હતાં. બચાવ પક્ષના વકીલ ગોવિંદ પરમારના જણાવ્યા અનુસાર, ફરિયાદ પક્ષના લગભગ 70 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ પી.એન. ગોસ્વામીની મેજિસ્ટ્રેટ કોર્ટે 13 મહિલાઓ સહિત તમામ 31 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નવેમ્બર 2023 અને ઑક્ટોબર 2022 માં એડિશનલ મેજિસ્ટ્રેટ ગોસ્વામીએ અન્ય બે કેસોમાં મેવાણીની સાથે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જેમાં 2016માં વિરોધ પ્રદર્શન અને રમખામોના આરોપો લાદવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : BSP સુપ્રીમો માયાવતીની મોટી જાહેરાત, એકલા હાથે લડશે લોકસભા ચૂંટણી

નોંધનીય છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ઉના ગામમાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ મેવાણી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જીગ્નેશ મેવાણીએ અમદાવાદથી ઉના સુધીની દલિત અસ્મિતા યાત્રાનું નેતૃત્વ કર્યું હતું, જે 15 ઓગસ્ટ 2016ના રોજ સમાપ્ત થઈ હતી. આ આંદોલનમાં દલિત મહિલાઓ સહિત લગભગ 20,000 દલિતોએ ભાગ લીધો હતો.