December 26, 2024

દુષ્કર્મ પીડિતાની વ્યથા: વસ્ત્રાપુર પોલીસ સાંભળતી નથી; દીકરો કહે છે, ‘મમ્મી મને બચાવ’

Ahmedabad vastrapur police station cheating Complaint luring marriage

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન - ફાઇલ તસવીર

અમદાવાદઃ શહેરમાં પ્રેમીએ લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેતા પ્રેમિકાએ ફરિયાદ દાખલ કરાવી છે. શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે હરદેવસિંહ સોલંકી નામના શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી આરોપી પોલીસ પકડથી દૂર છે.

શુક્રવારે FIR કરી, હજુ આરોપી પકડાયો નથી!
પીડિતા આક્ષેપ કરતા કહે છે કે, શુક્રવારે એફઆઈઆર થઈ છે. હજુ સુધી આરોપી પોલીસ પકડમાં આવ્યો નથી. આરોપીના સગાવ્હાલા મારા ઘરની આજુબાજુ રખડે છે. મને ધાક-ધમકીઓ આપે છે. પોલીસ કહે છે કે, અમે બંદોબસ્તમાંથી ફ્રી થઈશું પછી પકડવા જઈશું. એના સગાવ્હાલા પોલીસમાં છે એટલે આરોપીને સપોર્ટ કરી રહ્યા છે. મારા દીકરાએ મને ફોન કરીને કહ્યુ હતુ કે, આરોપીનો ભાઈ મારા ઘરની બહાર આંટા મારા છે, મને બચાવ. મારે દોડીને જવું પડ્યું. ગુનો આરોપીએ કર્યો છે અને એ રખડી રહ્યો છે.

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2019થી તે હરદેવસિંહ સોલંકી સાથે પ્રેમસંબંધમાં હતી. ત્યારબાદ અવારનવાર તે ઘરે આવતો હતો અને રોકાતો હતો. આ દરમિયાન મારી સાથે શરીરસંબંધ પણ બાંધતો હતો.

મને વિશ્વાસમાં લઈને શારીરિક સંબંધ બાંધતોઃ પીડિતા
તેઓ વધુમાં ફરિયાદમાં જણાવે છે કે, ત્યારબાદ વર્ષ 2023માં તેણે અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. તે છતાં મને લગ્ન ન થયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મેં તેની સાથે તમામ સંબંધો કાપી નાંખ્યા હતા. થોડા મહિના પછી તે અચાનક મારા ઘરે આવ્યો હતો અને રડવા લાગ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, તેના પરિવારે તેની મરજી વિરુદ્ધ અન્ય સ્ત્રી સાથે તેના લગ્ન કરાવી નાંખ્યા હતા અને હવે તે પત્ની સાથે છૂટાછેડા લેવા માટે કાર્યવાહી કરી રહ્યો છે. એવું કહીને તેણે મારો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારપછી પણ તે અવારનવાર મારી ઘરે આવતો હતો અને શરીરસંબંધ બાંધતો હતો.

પત્ની સાથે રહેતો હોવાનો ખુલાસો થયો
ફરિયાદમાં આગળ જણાવે છે કે, આ દરમિયાન હરદેવસિંહે તેની પત્ની સાથે છૂટાછેડાની કાર્યવાહી ચાલતી હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારબાદ મેં તપાસ કરી તો એવું કંઈ હતું નહીં અને તેની પત્ની સાથે હડાળા રહેતો હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ તે મારા ઘરે આવ્યો હતો અને મારી સાથે શરીરસંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે મેં એના ના પાડી હતી છતાં મારી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.

અવારનવાર ગર્ભપાત પણ કરાવ્યાં
પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા પ્રેમસંબંધ દરમિયાન તેણે અનેકવાર મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેને કારણે મને પાંચેકવાર ગર્ભ પણ રહી ગયો હતો અને તે બાળક નથી રાખવું તેમ કહીને ગર્ભપાત કરાવી દેતો હતો. ત્યારબાદ એકવાર જોડિયા બાળકોનો ગર્ભ રહી જતા ડોક્ટરે ગર્ભપાત ગોળીથી નહીં થઈ શકે તેમ જણાવ્યું હતું. ત્યારે મેં એને આ બાળકો રાખવા માટે કહ્યું હતું અને તેણે બળજબરી ડોક્ટર પાસે લઈ જઈને ઓપરેશનથી ગર્ભપાત કરાવ્યો હતો.

‘મારા દીકરાને મારી નાંખવાની ધમકી આપી’
આ ઉપરાંત પીડિતા કહે છે કે, આ દરમિયાન હરદેવસિંહે તેને ફોસલાવીને 60 હજાર જેટલી રકમ પણ લીધી હતી. જ્યારે મેં તેની પત્નીને ફોન કર્યો તો ત્યારે આરોપી હરદેવસિંહે મને ફોન કરી ગાળો આપી હતી અને મારા દીકરાને મારી નાંખવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પરંતુ હજુ સુધી આરોપી પકડની બહાર છે. ત્યારે પોલીસ આ મામલે ભીનું સંકેલવા માગતી હોય તેવું લાગી રહી છે.