અમદાવાદમાં ઉછીના લીધેલા પૈસા પરત ન આપતા ત્રણ મિત્રોએ સગીરનું અપહરણ કર્યું, ત્રણેયની ધરપકડ

મિહિર સોલંકી, અમદાવાદઃ શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં એક સગીરને તેના જ મિત્રોએ પૈસાની લેતીલેતી મામલે અપહરણ કરી રાજસ્થાન લઈ ગયા હતા. જો કે, પોલીસ ફરિયાદ થઈ હોવાની જાણકારી મળતાં જ પરત અમદાવાદ લાવી દીધો હતો.

29 એપ્રિલે સગીરે ત્રણેય પાસેથી 9.40 લાખ રૂપિયા શેરબજારમાં રોકાણ કરવાનું કહીને દોઢ કલાક માટે ઉછીના લીધા હતા. આ ફરિયાદ થયાના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સગીરે મિત્રો પાસેથી 9.40 લાખ રૂપિયા લઈને ખાતામાં પાછા આપવા કહ્યું હતું. સગીરે દોઢ કલાકમાં પૈસા પરત કરવાનો વાયદો કર્યો હતો પરંતુ વાયદા પ્રમાણે પૈસા ન આપતા તેના ત્રણ મિત્રો અપહરણ કરી રાજસ્થાન લઈ ગયા હતા. અમદાવાદમાં રહેતા 17 વર્ષના સગીરને જિમ જતા જયકિશન ચૌધરી સાથે મિત્રતા થઈ હતી. જેના આધારે અન્ય બે મિત્રો જેનું નામ મેહુલ ભરવાડ અને પૃથ્વી વાઘેલા સાથે પરિચય થયો હતો.

પૈસા લીધા બાદ સગીરે તે પૈસા તેના મામાને આપીને હર્ષ નામ વ્યક્તિને આંગડિયા દ્વારા મોકલાવ્યા હતા. સગીર તેના ત્રણેય મિત્રો પાસે ગુજરાત યુનિવર્સિટી પાસે ઉભો હતો. જ્યાંથી તેના મિત્રો તેને ગાડીમાં બેસાડી અપહરણ કરીને લઈ ગયા હતા. સગીરના મામાએ પરત આવીને જોયું ત્યારે સગીર હાજર નહોતો અને ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. જેથી પરિવારને જાણ કરી હતી. પરિવારે ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે સગીરના મિત્રો અને સંબંધીઓની પૂછપરછ હાથ ધરી હતી.

આ દરમિયાન સગીરનું અપહરણ થઈ હોવાની જાણ થઈ હતી. તેના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. અપહરણ કરનારા ત્રણ મિત્રોને ફરિયાદ અંગે જાણકારી થતા પરત અમદાવાદ આવવા માટે રવાના થયા હતા. અમદાવાદમાં પ્રવેશતા જ પોલીસી મોબાઈલ લોકેશનના આધારે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે જયકિશન ચૌધરી, મેહુલ ભરવાડ અને પૃથ્વી વાઘેલા નામના આરોપીઓની ધરપકડ કરી છે. પૈસા માગનારો સગીર વયનો છે, જ્યારે આરોપીઓ પણ આરોપીઓ 19થી 22 વર્ષની ઉંમરના છે.