હાઇકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસની કાર્યવાહી, 6 દિવસમાં કરોડોનો દંડ ફટકારાયો
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમા હેલ્મેટને લઈને હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકો પાસેથી 6 દિવસમાં 98 લાખનો દંડ વસુલ કર્યો. 8 ઓગષ્ટથી શરૂ થયેલા આ ડ્રાઈવ બાદ પણ લોકો હેલ્મેટ વગર વાહન ચલાવતા જોવા મળ્યા. પોલીસે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર લોકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
અમદાવાદના જુદા -જુદા વિસ્તારોમા ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકો કેમેરામા કેદ થયા છે. અકસ્માતનુ પ્રમાણ વધતા હાઈકોર્ટ દ્વારા હેલ્મેટને લઈને ટ્રાફિક પોલીસને ટકોર કરી હતી. ટુ વ્હીલર પર જતા બંને સવારે હેલ્મેટ ફરજીયાત પહેરવાની સુચના પણ આપવામા આવી હતી. હાઈકોર્ટના કડક વલણ બાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ અને રોંગ સાઈડને લઈને 8 ઓગષ્ટથી 22 ઓગષ્ટ સુધીની ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવના 6 દિવસમા જ ટ્રાફિક પોલીસે હેલ્મેટ નહિ પહેરતા 19 હજારથી વધુ લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરીને રૂ 98 લાખનો દંડ વસુલ કર્યો. એટલુ જ નહિ રોંગ સાઈડ આવતા 1200થી વધુ વાહન ચાલકો પાસેથી 22 લાખથી વધુનો દંડ વસુલ કરવામા આવ્યો છે. આ પ્રકારે જુદા જુદા ટ્રાફિક નિયમના ભંગ બદલા પોલીસે 2 કરોડથી વધુનો દંડ વસુલ કર્યો છે. જેમા સૌથી વધુ હેલ્મેટ નહિ પહેરવાના આંકડામા વધારો જોવા મળ્યો છે.
શહેરમા દર વર્ષે 500થી વધુ અકસ્માતના મોતના આકંડા સામે આવે છે. જેમા સૌથી વધુ ટુ વ્હીલર ચાલકોના મૃત્યુનુ પ્રમાણ વધારે જોવા મળે છે. સૌથી વધુ હેલ્મેટ નહિ પહેરવાથી અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. ટ્રાફિક પોલીસ કરોડો રૂપિયા દંડ વસુલ કરે છે પરંતુ અમદાવાદના હેલ્મેટ પહેરવાના બદલે લોકો દંડ ચુકવવાનુ વધુ પસંદ કરી રહયા હોય તે અમદાવાદના સિગ્નલોના દ્રશ્યો પરથી જોવા મળે છે. ચાર વાહન ચાલકમાંથી એક વાહન ચાલકે હેલ્મેટ પહેર્યુ છે. જયારે પાછળ બેસેલા વ્યકિત તો હેલ્મેટ વગર જ રામ ભરોસે મુસાફરી કરે છે. ટ્રાફિક પોલીસે પણ હેલ્મેટથી ફકત જીવ નહિ પરંતુ શરીરને પણ રક્ષણ મળે છે. જેથી લોકોએ હેલ્મેટ પહેરીને જ ટુ વ્હીલર ચલાવવાની અપીલ કરી છે.
અમદાવાદ પોલીસની ડ્રાઈવના આકંડા પર નજર કરીએ તો, રોંગ સાઈડ ડ્રાઈવીંગના 1267 કેસમાં 22. 51 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ, હેલ્મેટ ના પહેરવાના કુલ 19466 કેસમાં 98. 03 લાખનો દંડ વસૂલ કરાયો છે. વધુમાં, નો પાર્કિગના 11500 કેસમાં 61 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભારે વાહનના 105 કેસમાં 5. 28 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ છેલ્લા 6 દિવસમાં ટ્રાફિક પોલીસે 2 કરોડ જેટલો દંડ ઉઘરાવ્યો છે. પંરતુ, હજુ લોકોને નિયમનુ પાલન કરવામા રસ નથી. જેથી ટ્રાફિક પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.