January 10, 2025

અમદાવાદીઓ સાવધાન! હવે AI કેમેરાથી ઇ-મેમો ફટકારવામાં આવશે

મિહિર સોની, અમદાવાદઃ ટ્રાફિક નિયમનો ભંગ કરનારની હવે ખેર નથી. ટ્રાફિકના નિયમ તોડનારા આરોપીઓને AI કેમેરાથી ઇ-મેમો ફટકારવામાં આવશે. આ ટ્રાફિક પોલીસ દ્વારા AI બેઝ્ડ ડેશકેમ લોન્ચ કર્યો છે. અમદાવાદમાં આજથી અલગ અલગ 32 ગાડી AI કેમેરા સાથે અને 28 પોલીસકર્મીઓ રોડ પર AI કેમેરા સાથે દેખાશે. આ કેમેરા દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનારને મેમો આપશે.

અમદાવાદીઓ ટ્રાફિક નિયમનો ભંગ કરતા ચેતી જજો. ટ્રાફિક વિભાગ દ્વારા AI બેઝ્ડ કેમેરાથી ઈ-મેમો જનરેટ થશે. ટ્રાફિક પોલીસ AI બેઝ્ડ કેમેરાવાળો મોબાઈલ આપવામાં આવ્યો છે. તેનાથી માત્ર મોબાઈલ શરૂ કરતાં જ ઓટોમેટિક નિયમ ભંગ કરનારાને મેમો આપવામાં આવશે. આજથી શહેરના તમામ વિસ્તારમાં ડેશકેમવાળી ગાડી અને AI કેમેરા સાથે પોલીસકર્મીઓ જોવા મળશે. ત્યારે AIએ બેઝ્ડ કેમેરાવાળી ગાડી જ્યારે ચાલુ હશે તે દરમિયાન પણ ગાડીની અંદરનો કેમેરો ચાલુ હશે.

કેવી રીતે AI બેઝ ડેશકેમ ઈ-મેમો જનરેટ થશે?

– AI બેઝ્ડ કેમેરાથી મોબાઈલમાં ટ્રાફિકનો ભંગ કરનાર વીડિયો કેપ્ચર થશે.

– જે પણ વાહન ચાલકો હેલ્મેટ વિના, રોંગ સાઈડમાં વાહન ચલાવતા અને ત્રિપલ સવારીમાં વાહન ચલાવતા વીડિયો રેકોર્ડ થશે.

– તે વીડિયોમાંથી AI દ્વારા ઓટોમેટીક નિયમોના ભંગ બદલ ફોટો ક્લિક થશે તે ફોટો કંટ્રોલ રૂમને મળશે.

– કંટ્રોલ રૂમ દ્વારા ખરેખર નિયમોનો ભંગ કર્યો છે કે કેમ તે વેરીફાઈ કરવામાં આવશે.

– વીડિયો દ્વારા નિયમ ભંગનું વેરીફીકેશન થયા બાદ વાહનચાલકને મેસેજ દ્વારા નિયમના ભંગની વિગત અને દંડની રકમ સાથે મેમો મળશે.

– દિવસ દરમિયાન નિયમનો ભંગ કરનારા વાહન ચાલકને સાંજ સુધીમાં મેમો મળશે.

– આ મેમો વાહનમાલિકના મોબાઈલ નંબર પર ટેક્સ્ટ મેસેજમાં મળશે.

શહેરના અલગ અલગ વિસ્તારમાં 28 જેટલા ટ્રાફિક પોઇન્ટ પર AI મોબાઈલથી ટ્રાફિક ભંગ કરનારાને ઈ-મેમો આપવામાં આવશે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના એસજી 1, એસજી 2 ટ્રાફિક પોલીસ સ્ટેશન અને ઇન્ટરસેપ્ટરમાં પ્રાયોગિક ધોરણે ઇન્સ્ટોલ કર્યા હતા. જેમાં હેલ્મેટના 794, 21 જોખમી રીતે વાહન ચલાવતા વાહન ચાલક, 14 ત્રિપલ સવારીમાં વાહન ચલાવતા વાહનચાલક, 4 સીટ બેલ્ટ વિનાના વાહનચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.