December 27, 2024

સોમનાથ દાદાના ભક્તોને દિવાળીની ‘આકાશી ભેટ’, અમદાવાદ-કેશોદ ફ્લાઇટ શરૂ

સોમનાથઃ ધનતેરસ પર્વે સોમનાથના યાત્રિકો માટે અમદાવાદ-કેશોદ વિમાનસેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે જ પ્રવાસનને વેગ આપવાના અભિગમને સોમનાથ ટ્રસ્ટનો સહકાર સાંપડ્યો છે. કેશોદથી આવનારા યાત્રિકો માટે કોમ્પલિમેન્ટરી એસી બસની સેવા પૂરી પાડવામાં આવશે.

સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભારતીય સંસ્કૃતિને પુનઃ ઉજાગર કરી ગુજરાત અને ભારતના તીર્થધામોને વૈશ્વિક પ્રવાસનમાં શીર્ષ પર લાવવાના સંકલ્પને અનુસરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાતત્યપૂર્ણ પ્રયત્નોથી પર્યટનને સરળ અને સુખદાયક બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ વિકાસયાત્રાને અગ્રેસર કરી રહ્યા છે.

હવે સોમનાથ દાદાના શ્રદ્ધાળુઓ અને ગીર જંગલના મુલાકાતે આવનારા યાત્રિકો માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. આ પ્રગતિશીલ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે અમદાવાદથી કેશોદ ડાયરેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધનતેરસના પર્વે સોમનાથ દાદાના ભક્તોને સરકારશ્રી દ્વારા વિમાન સેવાની આકાશી ભેટ મળી છે.

ફ્લાઈટ સમયસૂચિ અને દિવસો:
અમદાવાદથી કેશોદ વિમાન સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલુ રહેશે. મંગળવાર, ગુરુવાર અને શનિવાર ઉપલબ્ધ રહેશે. જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ પ્રવાસન વિકલ્પો આપશે.

ફ્લાઇટની સમય સૂચિ અનુસાર
અમદાવાદથી કેશોદ: સવારે 10:10 વાગ્યે ફ્લાઈટ ટેકઓફ કરશે અને 10:55 વાગ્યે કેશોદ પહોંચી જશે.
કેશોદથી અમદાવાદ: બપોરે 13:15 વાગ્યે કેશોદથી ટેકઓફ કરી 14:30 વાગ્યે અમદાવાદ પરત આવશે.

સોમનાથ ટ્રસ્ટ તરફથી મુસાફરો માટે નિઃશુલ્ક પીકઅપ બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેશોદ વિમાનમથક પર ઊતરતા યાત્રિકો અને શ્રદ્ધાળુઓને ઉત્કૃષ્ટ આતિથ્ય અનુભવ આપવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક વાતાનુકૂલિત પીક-અપ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા પ્રવર્તમાન મુંબઈ-કેશોદ ફ્લાઈટ, અને નવી પ્રારંભ થયેલી અમદાવાદ-કેશોદ ફ્લાઈટમાં આવનારા યાત્રાળુઓને નિઃશુલ્ક બસ સેવાથી આરામદાયક અને સુગમ મુસાફરીનો અનુભવ આપશે.