December 26, 2024

અમદાવાદ: પ્રેમીના ત્રાસથી કંટાળી પરિણીત યુવતીએ કર્યો આપઘાત

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદનાં કૃષ્ણનગર વિસ્તારમાં પ્રેમીના ત્રાસથી કંટાળી એક પરિણીતાએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં પરિણીતાના અંગત પળોનાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવીને ત્રાસ આપતા પરિણીતાએ આપધાત કરી લીધો હતો. કૃષ્ણનગર પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

કૃષ્ણનગરમાં રહેતી ભૂમિકા નામની પરિણીતાએ આપઘાત કર્યો હતો. જે યુવતી પ્રેમીના ત્રાસથી કંટાળીને આપધાત કરવાનું અંતિમ પગલું ભર્યું છે. ઘટનાની વાત કરીએ તો થોડા મહિનાઓ પહેલા યુવતીના પતિને ફોન લેવાનો હોય નજીકનાં મોબાઈલ સ્ટોરમાં ગયા હતા, જે સમયે દુકાનદાર કિશન ડોડિયા સાથે પરિણીતાનો પરિચય થયો હતો, બાદમાં તેનો પતિ આફ્રિકા નોકરીએ જતા રહેતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા આરોપીએ અંગત પળોના ફોટો-વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકીઓ આપી પરિણીતા પાસેથી 60 હજારથી વધુ રૂપિયા પડાવ્યા હતા.

આ પણ વાંચો: રાજસ્થાનમાં સિસ્ટમ સર્જાતા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

વધુમાં આરોપી દ્વારા ત્રાસ અપાતા પરિણીતાએ 18 ઓગસ્ટ 2024ના રોજ પતિને આ બનાવ અંગે જાણ કરી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેને લઈને પરિણીતાના પતિ ભાવેશ પટેલે ફરિયાદ નોંધાવતા કૃષ્ણનગર પોલીસે આત્મહત્યા દૂષ્પ્રેરણાના ગુનામાં સામેલ આરોપી કિશન ડોડિયાની ધરપકડ કરી છે.

મૃતક યુવતીનાં મોબાઈલ ફોનમાંથી આરોપી પ્રેમી કિશને કરેલી ધમકીના મેસેજ વાળી ચેટ મળી આવી છે . સાથે જ યુવતીની જાણ બહાર અંગત પળોના વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરીને અવારનવાર આરોપી કિશને યુવતી ભૂમિકા પાસે પૈસા પડાવ્યા હતા. જોકે મૃતક યુવતી ભૂમિકા બેંક એકાઉન્ટ તપાસ કરતા 60 હજારથી વધુ ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર કર્યાની માહિતી સામે આવી છે. જેથી આરોપી કિશન ડોડીયાની ધરપકડ કરી પોલીસે ફોન કબ્જે કરી પુરાવાઓ એકત્ર કરવા માટે FSLમાં મોકલ્યો છે.