સટ્ટાકાંડ કૌભાંડના આરોપીની કરોડોની સંપત્તિ જપ્ત, 4 દિવસના રિમાન્ડ
મિહિર સોની, અમદાવાદઃ 2300 કરોડના ક્રિકેટ સટ્ટાકાંડ કૌભાંડમાં પકડાયેલા મુખ્ય સૂત્રધાર બુકી દિપક ધીરજલાલ ઠક્કરના સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ 4 દિવસના રિમાન્ડ મેળવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અધિકારીઓ દિપક ઠક્કરના થલતેજમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ-8 ખાતેના ફ્લેટ ઉપર લઈને તપાસ કરી હતી. આ ફ્લેટમાં દિપકના માતા-પિતા રહે છે. આ એપાર્ટમેન્ટમાં તપાસ દરમિયાન 4.50 લાખ રોકડા મળી આવતા પોલીસે કબજે કર્યા છે. તેમજ દિપક ઠક્કર અને તેની પત્નીના નામે તેમજ પરિવારજનો નામે અમદાવાદ, ડીસા અને ભાભરમાંથી મિકલત અને બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે.
બુકી દિપક ઠક્કરની તપાસમાં મળી આવેલી મિલકત
- ડીસામાં પાટણ રોડ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી એક સીએનજી ગેસનો પંપ
- ડીસામાં નિલકમલ સોસાયટીમાં 1200 ફૂટના ત્રણ પ્લોટ
- ડીસામાં રાજકમલ પાર્કમાં 1375 ફૂટ જગ્યામાં તેના અને તેની પત્નીના સંયુક્ત નામે મકાન
- ડીસામાં પાલનપુર હાઈવે પર ડીસન્ટ હોટલની પાસે એક 4950 ફૂટનો પ્લોટ
- એપીએમસી ભાભરમાં એક દુકાન
- એપીએમસી ડીસામાં એક દુકાન
- ભાભર ખાતે 11 વિઘા ખેતીની જમીન
- ડીસા ખાતે 11 વિઘા ખેતીની જમીન
- અમદાવાદ પકવાન ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ વન કોમર્શિયલ બિલ્ડિંગમાં સાતમા મળે 703, 704 નંબરની બે ઓફીસની દુકાનો આવેલી છે, જે બંને દુકાનો હાલ ભાડે આપેલી છે.
- અમદાવાદ આનંદનગર વિસ્તારમાં આવેલા પીએનટીસી બિલ્ડિંગના એ બ્લોકમાં બે ઓફીસ
- અમદાવાદ સાયન્સ સિટી બેબીલોન ક્લબની પાછળ 3600 વારનો એક પ્લોટ
- અમદાવાદ ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી કાલુપુર બેંકમાં એક લોકર
- અમદાવાદ સતાધાર ચાર રસ્તા પાસે આવેલી કોટક મહિન્દ્રા બેંકમાં એક લોકર
- હોન્ડા કંપનીની બ્રિઓ તથા ટોયટો કંપનીની ઈનોવા ફોરવ્હિલ ગાડી
- દુબઈમાં નિશાન કંપનીની ફોરવ્હિલ
આરોપીએ શેરબજારના ડબ્બા ટ્રેડિંગ અને સટ્ટાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કરોડોની મિલકત વસાવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ સટ્ટાકાંડમાં 186 આરોપીઓ માંથી 36ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 160 હજુ પણ વોન્ટેડ છે. જેથી SMCએ આ કૌભાંડ કેસમાં જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. ત્યારે બુકી દીપક ઠકકરની તપાસ દરમિયાન અનેક મોટા બુકીના નામ સામે આવી શકે છે.