January 27, 2025

SP રીંગ રોડ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3નાં મોત

અમદાવાદઃ અમદાવાદના બોપલમાં વકીલ બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે એક કારચાલક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં એક કારમાંથી બિયરની અને દારૂની બોટલ મળી આવી છે. આ ઉપરાંત 30થી 40 પેટી દારુ અને બિયરની બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. હાલ પોલીસે આ તમામ મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

થારમાં સવાર 32 વર્ષીય અજિત કાઠીનું મોત નીપજ્યું છે. જ્યારે થારચાલક સંજય કાઠી ઇજાગ્રસ્ત થયો છે અને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ પ્રાથમિક માહિતી પ્રમાણે બંને વિરમગામના હોવાનું સામે આવ્યું છે.

તો અન્ય એક અલ્ટો કાર ગાંધીનગર પાસિંગની નંબર પ્લેટ લગાવીને દારુની ખેપ મારતી હતી. ફોર્ચ્યુન કારમાં સવાર એક અને થારમાં સવાર 2 લોકોનાં મોત નીપજ્યા છે. ફોર્ચ્યુનનો કારચાલક 1 ઇજાગ્રસ્ત અને પોલીસ કસ્ટડીમાં છે. નંબર પ્લેટ અને ગેરરીતિ થઈ હશે, તેની તપાસ કરવામાં આવી રહી છે. ફોર્ચ્યુન કાર શીલજથી જ્યારે થાર કાર બોપલથી આવીને યુટર્ન મારતા અકસ્માત સર્જાયો છે. ફોર્ચ્યુન કારની સ્પીડ વધુ હતી, તે અંગે FSL તપાસ કરશે.