સાણંદમાં ટુ વ્હિલર ચોરી ગેરકાયદેસર વેચતા પાંચની ધરપકડ, 22 વાહન જપ્ત
મિહિર સોની, અમદાવાદઃ પાર્કિંગમાંથી ટુ વ્હીલર ચોરી કરી ગેરકાયદેસર વેચાણ કરનારા કુલ પાંચ આરોપીઓની સાણંદ જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 10.15 લાખની કિંમતના 22 ટુ-વ્હીલર કબજે કરવામાં આવ્યા છે. મોજ શોખ માટે આરોપીઓ વાહન ચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે.
સાણંદ જીઆઇડીસી પોલીસે આ મામલે હર્ષદ ઠાકોર, જયેશ ઠાકોર, કાળાભાઈ ઠાકોર, હાર્દિક કોળી પટેલ અને દશરથ સેનવા નામના પાંચ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે ચોરીના 22 ટુ વ્હીલર કબજે કર્યા છે. આ ચોર ટોળકી અમદાવાદના એલિસબ્રિજ, સોલા, બોપલ અને મહેસાણા જિલ્લામાં ચોરીને અંજામ આપતા હતા. પાર્કિંગમાં રહેલા વાહનોમાં વાહનનું સ્ટેરિંગ લોક ન કર્યું હોય તેવા વાહનોને સરળતાથી ડિરેક્ટ કરી ચોરી ચોરીને અંજામ આપતા હતા. જો કોઈ વાહન ચાલુ ન થાય તો ચોર ગેંગનો સાગરીત તેને અન્ય વાહનથી ધક્કો મારી લઈ ફરાર થઈ જતા હતા.
ઝડપાયેલા પાંચેય આરોપીને પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી કે, મુખ્ય આરોપી હર્ષદ ઠાકોર વાહનોની ચોરીનો માસ્ટરમાઈન્ડ છે. તેના અન્ય બે સાગરીત જયેશ ઠાકોર અને કાળાભાઈ ઠાકોર સાથે મળી ચોરીને અંજામ આપતો હતો. બીજી તરફ અન્ય બે આરોપી હાર્દિક કોળી પટેલ પાસેથી 7 અને દશરથ સેનવા પાસેથી ચોરીના 5 વાહનો કબ્જે કર્યા છે. અન્ય 10 વાહનો ચોરી કરનારા ત્રણે આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપી હાર્દિક કોળી પટેલ અને દશરથ સેનવા ચોરીના વાહનોને સિઝીંગ કરેલા વાહનો છે તેમ કહી સસ્તામાં વેચી દેતા હતા અને જો કોઈ વ્યક્તિ દસ્તાવેજ માંગે તો તેને વેચેલું વાહન પાછું મેળવી લેતા હતા.
સાણંદ જીઆઇડીસી પોલીસે 10.15 લાખની કિંમતના 22 ટુ વ્હીલર કબજે કરી આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ માત્ર મોજશોખ ખાતર ચોરી કરતા હતા, કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે. તેની તપાસ શરૂ કરી છે.