વિવેક ચુડાસમા, અમદાવાદઃ હવે હોળીનો તહેવાર નજીક છે. ત્યારે અનેક ધાર્મિક સ્થાનોએ પગપાળા જવાનો મહિમા છે. સમગ્ર ગુજરાતમાંથી લોકો પગપાળા ધાર્મિક યાત્રા કરતા હોય છે. તેમાં દ્વારકા અને ડાકોર જેવા શ્રીકૃષ્ણના તીર્થો પણ સામેલ છે. ત્યારે આજે વાત કરવી છે એવા એક સંઘની જે છેલ્લા 49 વર્ષથી પગપાળા સંઘનું આયોજન કરે છે અને આ વર્ષે 50મી વખત પગપાળા સંઘનું આયોજન કરી રહ્યું છે.અમદાવાદના દરિયાપુરનું ‘શ્રી રણછોડરાય સેવા સંઘ’ છેલ્લા 49 વર્ષથી ડાકોર પગપાળા જવાનું આયોજન કરે છે. તેમની સાથે આ સંઘમાં ઉત્તરોત્તર પદયાત્રીઓનો મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દરિયાપુરથી આ સંઘ ચાલતા ડાકોર જાય છે. ત્યારે 5 દિવસે તેઓ ડાકોર મંદિરે પહોંચતા હોય છે. આ ઉપરાંત સંઘ દ્વારા ભગવાન કાળિયા ઠાકરને નાની-મોટી ધજાઓ પણ અર્પણ કરવામાં આવશે.આ સંઘમાં જોડાવવા માટે તેમણે એક વેબસાઇટ પણ બનાવી છે. જેમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને જોડાઈ શકાય છે. ‘kadvapole.org’ આ વેબસાઇટમાં લોગ ઇન કરી રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.આ સંઘના આગેવાનોએ ખેડા જિલ્લામાં પદયાત્રીઓ માટે ઠેર-ઠેર વિસામા તેમજ ભોજન માટે પણ આયોજન કર્યું છે. સેવાભાવીઓ ઉત્સાહપૂર્વક સેવા કાર્યોમાં જોતરાઈ ગયા છે. આ ઉપરાંત તેમણે પદયાત્રીઓ સહિત દર્શનાર્થીઓ માટે 550 કિલો મગસનો પ્રસાદ પણ તૈયાર કર્યો છે. આ પ્રસાદ લેવા માટે પણ બારકોડ લગાવવામાં આવ્યા છે. જેને સ્કેન કરીને પ્રસાદની નોંધણી કરાવી શકાય છે.વિશેષ શણગાર સાથે શ્રીજીની ભવ્ય સવારીનો ડાકોર મંદિરમાંથી આરંભ કરવામાં આવશે. ત્યારબાદ ભજન મંડળીઓ સાથે હાથી પર સવારી કાઢવામાં આવશે. જેમાં અબીલ-ગુલાલ ઉડાડીને ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ત્યારપછી મંદિરેથી નીકળી આ સવારી કંકુ દરવાજા પાસે આવેલી શ્રીજીની ગૌશાળા અને ત્યારબાદ લાલબાગ થઈ રાત્રે શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરે પહોંચશે. જ્યાં આરતી કર્યા બાદ આ સવારી બોડાણા મંદિર થઈ નિજમંદિર પરત આવશે.આ પદયાત્રાના આયોજક તારક પટેલ જણાવે છે કે, પહેલા વર્ષે 100થી વધુ લોકો અમારી સાથે જોડાયા હતા. હાલમાં અમારી સાથે 350થી વધુ લોકો અમારી સાથે પદયાત્રામાં જોડાયાં છે. ત્યારપછી જેમ જેમ પદયાત્રા આગળ જશે, તેમ તેમ લોકો અમારી સાથે જોડાશે અને જ્યારે મંદિરમાં ધજા અર્પણ કરવાની હશે તે દિવસે અંદાજે 900 લોકો અમારી સાથે હશે. અમારો સંઘ દરિયાપુરમાં આવેલી કડિયા પોળથી પદયાત્રાની શરૂઆત કરે છે અને ડાકોર મંદિર સુધી જાય છે. 15થી 80 વર્ષના લોકો આ પદયાત્રામાં જોડાય છે.