December 23, 2024

12 ઓકટોબરથી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2024-25

અમદાવાદ: વિદેશની ધરતી પર જે પ્રકારે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે, એવા શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2019માં અમદાવાદ ખાતે કરાવ્યો હતો. હવે એ જ તર્જ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2024-25નું આયોજન કરવામાં આવ્યું છે. AMC અને રાજ્ય સરકારના સહયોગથી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 12મી ઓક્ટોબર-2024થી 14 જાન્યુઆરી-2025 સુધી યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 12મી ઓક્ટોબરે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરાશે.

સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2024-25નો લોગો, ટીઝર અને વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. આ શોપિંગ ફેસ્ટિવલ 2024-25ના સંદર્ભે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદને સંબોધતા સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2024-25નો ઉદ્દેશ્ય અમદાવાદને ખરીદીના શોખીનો માટે એક મુખ્ય શોપિંગ ડેસ્ટિનેશન તરીકે ઉન્નત કરવાનો છે. આવનારા સમયમાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ એક ટ્રેડમાર્ક સ્થાપિત કરશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, આ ફેસ્ટિવલ 4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ – સિંધુ ભવન રોડ, સીજી રોડ રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, અને કાંકરિયા રામબાગ રોડ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, ગુર્જરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ અને શોપિંગ મોલ્સ (દા.ત. અમદાવાદ વન મોલ પેલેડિયમ મોલ, ઇસ્કોન મેગા સીજી સ્ક્વેર, પેવેલિયન મોલ) સહિત 14 નિયત હોટસ્પોટ્સ ખાતે યોજાશે. રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ પાંચ અનોખી થીમ પર આધારિત હશે.

એટલુ જ નહિ, આ ફેસ્ટિવલમાં ફૂડ ઝોન, શોપિંગ અને આર્ટિઝન ઝોન, મ્યુઝિક અને કલ્ચરલ એક્ટિવિટી ઝોન, સ્પોર્ટ્સ ઝોન અને એન્ટરટેનમેન્ટ ઝોન જોવા મળશે. તહેવારના આનંદને વધારવા માટે AMC અમદાવાદને વ્યાપક લાઇટિંગ અને સજાવટ સાથે ઉત્સવની વન્ડરલેન્ડમાં પરિવર્તિત કરશે. ખાસ કરીને શોપિંગ ડિસ્ટ્રિક્ટ્સ, હોટસ્પોટ્સ, મહત્ત્વપૂર્ણ ઇમારતો અને પુલો પર ધ્યાન કેન્દ્રિત કરશે. લાઇટ ટનલ, સેલ્ફી પોઇન્ટ્સ અને થીમ આધારિત લાઇટ ડેકોરેશન જેવાં વિશેષ સ્થાપનો પ્રદર્શિત કરવામાં આવશે. મુલાકાતીઓની સગવડતા માટે એએમટીએસ ડબલ-ડેકર ઇલેક્ટ્રિક બસોને ઇવેન્ટ માટે બ્રાન્ડેડ કરવામાં આવશે અને ચોક્કસ રૂટ પર ઓપરેટ કરવામાં આવશે, જે શહેરીજનોને વાહનવ્યવહાર સેવા પ્રદાન કરશે અને શોપિંગ ડિસ્ટ્રિક્ટ્સમાં સરળ ઍક્સેસની સુવિધા આપશે, એમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એક સમૃદ્ધ ઐતિહાસિક વારસો ધરાવતું શહેર છે. અહીં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદને એક અલગ ઓળખ આપવા દેશભરના વ્યવસાયો, કલાકારો, કારીગરો અને કારીગરોના વિકાસ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને શહેરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા માટે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2024-25નું અયોજન કરવામાં આવ્યું છે.

આ પત્રકાર પરિષદમાં અમદાવાદ મેયર પ્રતિભાબહેન જૈન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એન. થેન્નારસન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2024-25નાં મુખ્ય આકર્ષણ

  • અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વધુમાં વધુ લોકોને આકર્ષિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદને ખાસ કરીને શોપિંગ ડિસ્ટ્રિક્ટ્સ, હોટસ્પોટ્સ, મહત્ત્વપૂર્ણ ઇમારતો અને પુલો પર વ્યાપક લાઇટિંગ અને સજાવટ સાથે વન્ડરલેન્ડમાં પરિવર્તિત કરવામાં આવશે. વિવિધ સ્થળો પર લાઇટ ટનલ, સેલ્ફી પોઇન્ટ્સ અને થીમ આધારિત લાઇટ ડેકોરેશન કરવામાં આવશે.
  • મુલાકાતીઓની સગવડતા માટે એએમટીએસ ડબલ-ડેકર ઇલેક્ટ્રિક બસોને ઇવેન્ટ માટે બ્રાન્ડેડ કરવામાં આવશે, જે શહેરના વિવિધ રુટ પર સેવા પ્રદાન કરશે, જેના થકી શોપિંગ ડિસ્ટ્રિક્ટ્સમાં પહોંચવામાં સરળતા રહેશે.
  • આ ઉપરાંત મ્યુઝિક ફેસ્ટિવલ, ફ્લી માર્કેટ્સ, સ્ટેન્ડ-અપ કોમેડી શો, શેરી-આધારિત સંગીત અને સાંસ્કૃતિક પ્રદર્શન, ફેશન શો, મેજિક શો, કવિતા પઠન અને ગુજરાતી ફિલ્મોના સ્ક્રીનિંગ સહિતની આકર્ષક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
  • વધુમાં, બોટ રેસિંગ, બૉક્સિંગ, મેરેથોન, સાઇકલિંગ, હેપ્પી સ્ટ્રીટ ઈવેન્ટ્સ, રોબો ફાઈટ, ડ્રોન શો અને ફાયર શો જેવી રમત-ગમતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
  • સાથે જ ખરીદદારોનો ઉત્સાહ વધારવા માટે તેઓ મહત્તમ ડિસ્કાઉન્ટનો આનંદ લઈ શકે છે, લકી ડ્રોમાં ભાગ લઈ શકે છે અને આકર્ષક ઈનામો જીતી શકે અને વિવિધ કૂપનનો લાભ લઈ શકે તે માટેનું પણ આયોજન કરાયું છે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2024-25નો મુખ્ય ઉદ્દેશ્ય શહેરની વાઇબ્રન્ટ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાનો છે અને તેની અર્થવ્યવસ્થાને વેગ આપવાનો છે અને અમદાવાદને દર વર્ષે શોપિંગ ઉત્સાહીઓ માટે મુલાકાત લેવી આવશ્યક થઈ પડે તેવું સ્થળ બનાવવાનો છે. આ આયોજનથી શહેર, રાજ્ય અને દેશના નાગરિકો તેમજ વિદેશી પર્યટકો અને પ્રવાસી ભારતીયોને શહેર તેમજ રાજ્યની ભાતીગળ ચીજવસ્તુઓ, હસ્તકળા અને આધુનિક સાધનો અને ઉપયોગી વસ્તુઓની ખરીદીનો અનુભવ આપવાની સાથે-સાથે શહેરના વેપારી વર્ગને પણ આ ખરીદીથી પ્રોત્સાહન પૂરું પડે, તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

ગુજરાતની બિઝનેસ પ્રોડક્ટ્સ/ સેવાઓના બ્રાન્ડિંગ અને પ્રમોશન તેમજ તેની સૂચિ માટે ઇન્ટિગ્રેટેડ વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવશે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવશે જેથી ખરીદદારોને જરૂરી માહિતી મળી રહે.

બ્રાન્ડિંગ માટે એલઈડી સ્ક્રીન, હોર્ડિંગ્સ, ગેન્ટ્રી, રસ્તાઓની સપાટીને એએસએફ લોગો સાથે ચિત્રો દોરીને, વોલ પેઇન્ટિંગ, મોટા બેનરો, લાઇટ ઇનસ્ટોલેશન, શોપિંગ બેગ અને મર્કન્ડાઇઝ વગેરેનો ઉપયોગ કરવામાં આવશે. તે સિવાય રેડિયો અને ટીવી, સમાચાર પત્રો અને ડિજિટલ મીડિયાના સહકાર પણ પ્રાપ્ત કરવામાં આવનાર છે. આ ફેસ્ટિવલ થકી અમદાવાદમાં અંદાજિત ૮ લાખ ફૂટફોલની અપેક્ષા છે. જે શહેરની અર્થવ્યવસ્થા અને વ્યવસાયને મદદ કરશે. અને તેના બદલામાં ગુજરાતના યુવાનો અને લોકો માટે નોકરીની તકો ઊભી કરશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2024-25નો પ્રારંભ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા તારીખ 12ઓકટોબર 2024ના રોજ સિંધુ ભવન ખાતે સાંજે 6 થી 9 દરમિયાન 5 થી 60 મિનિટ માટે રંગારંગ કાર્યક્રમો, લાઇટિંગ, સજાવટથી કરવામાં આવશે. સ્થળ પર પહોંચવામાં સરળતા રહે તે માટે AMC દ્વારા એએમટીએસ અને બીઆરટીએસની મફત પરિવહન પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.