December 26, 2024

શાંતિ એશિયાટિક સ્કૂલ વિદ્યાર્થીઓની સલામતી ધ્યાને રાખી ઓનલાઇન શિક્ષણ આપશે

અમદાવાદઃ શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગવાના કિસ્સા બાદ આજથી ઓનલાઇન શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શાળાની પ્રિ-પ્રાયમરી બિલ્ડિંગમાં ફાયર એક્ઝિટ લગાવવા માટે શિક્ષણ વિભાગે આદેશ આપ્યાં છે. આ ઉપરાંત ફાયર સેફ્ટીની સિસ્ટમ ચાલુ છે કે નહીં તે અંગે પણ ચકાસણી કરવામાં આવશે. અભ્યાસ માટે સ્કૂલ સુરક્ષિત છે કે નહીં તેનો રિપોર્ટ શિક્ષણ વિભાગમાં સબમિટ કરાવવામાં આવશે. ત્યારબાદ જ શાળામાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવશે.

સ્કૂલે આગની ઘટના બીજા દિવસે સ્વીકારી હતી
શેલા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગની ઘટનાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે સ્કૂલે આ સમગ્ર ઘટનાને મોકડ્રિલ ગણાવી રહી હતી. પરંતુ આખરે સ્કૂલે આગના બનાવને સ્વીકારી લીધો છે. સ્કૂલ સંચાલકોએ વાલીઓની લેખિતમાં માફી માગી છે. વાલીઓની માફી માગતો મેસેજ સ્કૂલની એપ્લિકેશનમાં અપલોડ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાને સ્કૂલે મોકડ્રિલમાં ખપાવી હતી. ત્યારે હવે સંચાલકોએ MCBમાં ધુમાડા સાથે સ્પાર્ક થયો હોવાની વાત કબૂલી છે.

વાલીઓનો પુરાવા નાશ કરવાનો આક્ષેપ
વાલીઓએ કહ્યુ છે કે, બેઝમેન્ટમાં લાગેલી આગવાળા ક્લાસરૂમને તાત્કાલિક કલરકામ કરી દેવામાં આવ્યું છે. બેઝમેન્ટના અન્ય તમામ રૂમમાં સફેદ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે આગવાળ એકમાત્ર ક્લાસરૂમમાં કેસરી કલરનો રંગ કરવામાં આવ્યો છે. શાળા સંચાલકોએ આગની ઘટનાને છુપાવવા માટે રાતોરાત કલરકામ કરી નાંખ્યું છે. તેટલું જ નહીં, ઘટના છુપાવ્યા બાદ કલરકામ કરી પુરાવાઓનો નાશ કરવા માટે પણ પ્રયત્ન કર્યો હતો.