September 20, 2024

સોનીની દુકાનમાં કામ કરવા આવેલા કારીગરે 4 કલાકમાં 2 લાખની ચોરી કરી, બેની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ તસ્કરો માટે જ્વેલર્સ હંમેશા સોફ્ટ ટાર્ગેટ રહ્યા છે. અમદાવાદના એક જ્વેલર્સને ત્યાં એક યુવક માત્ર ચોરી કરવાના ઈરાદે જ નોકરી આવ્યો હતો અને 4 કલાકમાં જ જ્વેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો. જો કે, સ્ટોકની ગણતરી કરતા યુવકનો ભાંડો ફૂટ્યો અને પોલીસે ચોરી કરનારા વ્યક્તિ સહિત ચોરીના દાગીના લઈ જનાર વ્યક્તિની ધરપકડ કરી છે.

શહેરના શાસ્ત્રીનગર પાસે આવેલી આશાપુરી જ્વેલર્સમાં તેના જ એક કર્મચારીએ સોનાની માળાની ચોરી કરી હતી. આરોપી મયુર ઉર્ફે રાજા ખટીકે 2 ઓગસ્ટે જ્વેલર્સની દુકાનમાં નોકરી ચાલુ કરી હતી અને 4 કલાક બાદ બપોરે બે વાગે નજર ચુકવી 37 ગ્રામની સોનાની માળા ચોરી કરી તેના મિત્રને આપી દીધી હતી. 2.68 લાખની માળા ચોરી કરી હતી. આરોપી મયુરે અન્ય આરોપી હર્ષ ઉર્ફે બબલુને માળા આપી દીધી હતી. આ ચોરી અંગે સાંજે જવેલર્સમાં રહેલો સ્ટોક ગણતા વેપારીને ખબર પડી હતી. જેથી સીસીટીવીના આધારે પોલીસને જાણ કરતા પોલીસે બન્નેની ધરપકડ કરી છે.

ઘાટલોડીયા પોલીસે સીસીટીવી કબ્જે કરી ફરિયાદ નોંધી બે આરોપી મયુર ઉર્ફે રાજા ખટીક અને તેના મિત્ર હર્ષ ઉર્ફે બબલુની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મયુરે ચોરી કરેલી માળા તેના મિત્રને આપતા તે માણેક ચોકમાં એક સોની વેપારીને તે વેચી આવ્યો છે. આ સાથે જ મોજશોખ પૂરા કરવા માટે આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે 2.68 લાખની સોનાની ચેઈન ચોરી કરવા પાછળ શું કારણ જવાબદાર છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

મહત્વનું છે કે, ચોરીને અંજામ આપનાર બન્ને આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મુદ્દામાલ કબ્જે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આરોપીની તપાસમાં શું નવા ખુલાસા થાય છે, તે જોવું મહત્વનું છે.