January 16, 2025

શાળા સંચાલક મંડળની ફીના સ્લેબમાં 49 ટકા વધારો કરવાની માગણી

અમદાવાદઃ શાળાઓના ફી સ્લેબમાં વધારો કરવા શાળા સંચાલક મંડળે માગણી કરી છે. શાળા સંચાલક મંડળે શાળાના ફી સ્લેબમાં 49 ટકા વધારો કરવા માટે માગણી કરી છે.

પ્રાથમિક માટે 15000થી વધારીને 22,500 રૂપિયા, માધ્યમિક વિભાગ માટે 20,000થી વધારીને 30,000 અને સામાન્ય પ્રવાહ માટે 25,000થી વધારીને 37,500 રૂપિયા કરવા માટે માગણી કરવામાં આવી છે.

આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહ માટે 30,000થી વધારીને 45,000 રૂપિયા કરવા માટેની માગણી કરવામાં આવી છે. ઓછા સ્લેબના કારણે સામાન્ય ફી પસંદગીથી શાળાઓને નુકસાન થાય છે. સરકારની જ્ઞાન સાધના સ્કૂલમાં વાર્ષિક સાત ટકા વધારાનું પ્રાવધાન છે, ત્યારે શાળાઓમાં પણ વધારો કરવો જોઈએ.

ન્યુઝ કેપિટલ સાથેની વાતચીતમાં મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યુ હતુ કે, ‘સરકાર દ્વારા રાજ્યમાં જ્ઞાન સાધના અને જ્ઞાન શક્તિ જેવી સ્કૂલો શરૂ કરવામાં આવી છે અને સરકારે આ શાળાઓમાં વાર્ષિક સાત ટકા ફી વધારો કરવા જણાવ્યું છે. એટલે સરકાર પણ એમ માને છે કે તેમના સરકારી પ્રોજેક્ટમાં પણ મોંધવારી નડે છે અને તેને કારણે તેમને વધારો આપવો જરૂરી છે. ત્યારે ખાનગી શાળાઓમાં છેલ્લા સાત વર્ષથી કોઇપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. ત્યારે સાત વર્ષ બાદ શાળાના સ્લેબમાં 49 ટકા વધારો થવો જોઇએ.’

આ મામલે સંચાલક મંડળે એ તર્ક રજૂ કર્યો છે કે, ‘જે શાળા ફી વધારો કરવા માંગે તો તેને ફી વધારો આપવામાં આવે છે, પરંતુ સ્લેબ પ્રમાણે જે શાળાઓથી ફી વસૂલતી હોય તેમનો શું વાંક? શાળા સંચાલક મંડળની માગ છે કે FRCએ ફી સ્લેબમાં પ્રાથમિક વિભાગમાં 15 હજારથી વધારી 22500, માધ્યમિક વિભાગમાં 20 હજારથી વધારી 30 હજાર, ઉચ્ચતર વિભાગમાં સામાન્ય પ્રવાહમાં 25 હજારથી વધારી 37500 કરવામાં આવે. આ ઉપરાંત ઉચ્ચતર વિભાગમાં સાયન્સ વિભાગમાં 30 હજારથી વધારી 45 હજાર ફી સ્લેબ નક્કી કરવા માગ કરી છે.’