January 16, 2025

અમદાવાદમાં શાકભાજીની ખરીદી કરી 500ની નકલી નોટો વટાવતા 6 આરોપીઓની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ રૂપિયા 500ના દરની કલર પ્રિન્ટિંગ કરેલી ચલણી નોટો છાપીને વટાવવા માટે મધ્યપ્રદેશથી અમદાવાદ આવેલા 6 આરોપીઓની સોલા પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી 247 નકલી નોટો કબ્જે કરી છે. દિલ્હીમાં રૂપિયા 100ના દરની નોટો વટાવવામાં સફળ થતા આરોપીઓએ અમદાવાદને ટાર્ગેટ કરી રૂપિયા 500ની નોટો છાપી હતી. પરંતુ બજારમાં વટાવવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

સોલા પોલીસે આ મામલે આરોપી ઉમેશ ઉર્ફે અનુરાગ જાટવ, દીપક ઉર્ફે બાદશાહ, વિકાસ જાટવ, ઉમેશ જાટવ, ધર્મેન્દ્ર જાટવ, ઋષિકેશ જાટવની ધરપકડ કરી છે. આરોપીઓને સોલા ચાણક્યપુરી શાક માર્કેટમાંથી રૂપિયા 500ના દરની બનાવટી ચલણી નોટો સાથે પકડ્યા છે. આરોપી મધ્યપ્રદેશના ભીન્ડ જિલ્લાના વતની છે અને અમદાવાદમાં નકલી નોટ બજારમાં વટાવવા આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ રૂપિયા 500ની નોટને સ્કેન કર્યા બાદ કલર પ્રિન્ટમાં પ્રિન્ટ કરતા હતા. ત્યારબાદ તેના પર ગ્રીન પટ્ટી પણ લગાવી દેતા હતા. મધ્યપ્રદેશથી તેઓ માત્ર નોટો વટાવવા માટે અહીં આવ્યા હતા. અમદાવાદ સિટીમાં રાત્રીના સમયે ભીડભાડવાળા વિસ્તારમાં નોટો વટાવવાનું નક્કી કર્યું હતું. જો કે, પોલીસને બાતમી મળતા પોલીસે તેમને ઝડપી લીધા છે.

આ સમગ્ર નેટવર્કનો માસ્ટર માઈન્ડ ઉત્તરપ્રદેશનો યોગેશ છે. તે આ કેસમાં વોન્ટેડ છે. આરોપી દિપક, ઉમેશ ઉર્ફે અનુરાગને તેના સાળા અભિષેકના સાઢુ યોગેશ સાથે મુલાકાત કરાવી હતી. ઉમેશ ઉર્ફે અનુરાગ, વિકાસ અને અન્ય એક આરોપી સાથે મળીને યોગેશના સાથ સહકારથી અગાઉ રૂપિયા 100 દરની ચલણી નોટો છાપી હતી. ત્યારબાદ 25 જેટલી નોટો વિકાસ અને ઉમેશે દિલ્હી ખાતે જઈને વટાવી હતી. જ્યારે બાકીની 35 નોટો વિકાસ, દિપક, ઉમેશ ઉર્ફે અનુરાગ અને ઉમેશ રાજકુમારે તેમના જ વતનમાં વટાવી દીધી હતી. રૂપિયા 100ની બનાવટી નોટો વટાવવામાં તેઓ સફળ થતાં બાદમાં તેમણે રૂપિયા 500ની નોટને છાપવા માટેનો પ્લાન કર્યો હતો. ત્યારબાદ ઉમેશ ઉર્ફે અનુરાગ અને વિકાસ બંને મળીને વિકાસના કાકા જયવીર પાસેથી કલર ઝેરોક્ષ કાઢવાની હોવાનું કહીને કલર પ્રિન્ટર લઈ આવ્યા હતા. જેમાં રૂપિયા 500ના દરની બનાવટી ચલણી નોટો પ્રિન્ટ કરીને કટીંગ કરી તેમાં ગ્રીન પટ્ટી લગાવી હતી. ગ્રીન પટ્ટી લગાવી હતી જેથી રાત્રિના સમયે કોઈને શક ન થાય.

આરોપીઓ શાકમાર્કેટ જેવા ભીડવાળા વિસ્તારોમાં એક-એક ચલણી નોટો વટાવવાની ફિરાકમાં હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં આ સિવાય અન્ય કોઈ જગ્યાએ બનાવટી ચલણી નોટો વટાવી છે કે કેમ અને કેટલા પ્રમાણમાં નોટો પ્રિન્ટ કરી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.