શહેરકોટડામાં ધુળેટીએ હુમલો કરતા ઇજાગ્રસ્ત થયેલા યુવાનનું મોત, 4 આરોપીની ધરપકડ

દિપેન પઢીયાર, અમદાવાદઃ શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુમલાની ઘટના હત્યામાં ફેરવાઈ છે. 15 માર્ચના રોજ ધુળેટી રમવા બાબતે અનિલ સ્ટાર્ચ મિલ સામે યુવક પર ચપ્પુ વડે હુમલો કરાયો હતો. કેટલાક શખ્સોએ યુવકને ઉભો રાખી કલરથી રંગવા જણાવ્યું હતું. યુવકે મનાઈ કરતા કેટલાંક શખ્સોએ યુવકને પકડી ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

આ ઘટનામાં યુવક ઈજાગ્રસ્ત થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. ત્યારે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત યુવક રોશન રાજુભાઇ પટણીનું આજે મોત થયું છે. જ્યારે હુમલો થયો હતો ત્યારે શહેરકોટડા પોલીસે મારામારી, હુમલો અને રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો. આજે યુવકનું મોત થતાં શહેરકોટડા પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. મૃતક યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોલીસે મારામારીના કેસમાં હત્યાની કલમો ઉમેરી કાર્યવાહી શરૂ કરી છે.

આ કેસમાં પોલીસે ચપ્પુ મારનાર આરોપી સાહિલ બાબુભાઇ પટણી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં આરોપી વિશાલ પટણી ઉર્ફે ઘેટો ફરાર છે. ત્યારે પરિવારજનોએ આરોપી વિશાલ પટણી ઉર્ફે ઘેટોને પકડવા માગ કરી છે. જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો છે.