September 20, 2024

શહેરકોટડામાં થયેલા મર્ડર મામલે ત્રણ આરોપીની ધરપકડ, નજીવી બાબતે હત્યા કરી

મિહિર સોની, અમદાવાદઃ શહેરકોટડા વિસ્તારમાં સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા કરનાર પિતા-પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. બાળકોનાં રમવા બાબતે થયેલી તકરારે હિંસક રૂપ લીધું અને એક નિર્દોષ યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો સરસપુર વિસ્તારમાં જજ સાહેબની ચાલીમાં આરોપી પિતા પૂનમ પટણી અને તેના પુત્રો રહેતા હતા. તેના પડોશમાં કમલેશ પટણી અને તેનો ભત્રીજો સુમિત રહેતા હતા. 15 જુલાઈના રોજ આરોપીઓ અને સુમિત વચ્ચે બાળકોનાં રમવા બાબતે ઝઘડો થયો હતો. જેથી સુમિતે પોતાના કાકા કમલેશ પટણીને ફોન કરી બોલાવ્યા હતા. કમલેશ પટણી મિત્ર ભાવેશ સપાકને લઈ સરસપુર પહોંચ્યા ત્યારે બંને પક્ષ વચ્ચે ઝગડો ઉગ્ર થઈ ગયો હતો. જેથી આરોપીએ છરીથી હુમલો કર્યો હતો. જેમાં ભાવેશ સપાકની હત્યા થઈ હતી. શહેર કોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી પિતા-પુત્ર મળી કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે આરોપી પૂનમ પટણી અને તેના બે પુત્રો રાજ ઉર્ફે છોટુ અને જનક પટણીએ ભાવેશ સપાકે નામના યુવક પર છરીથી હુમલો કરીને હત્યા કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી રિક્ષા ચલાવે છે. જેમાં આરોપી છોટુ ઉર્ફે રાજ પટણી માથાભારે છે. જેની વિરુદ્ધ મારમારીનાં બે ગુના નોંધાયા છે. આ આરોપીએ સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં હત્યાને અંજામ આપ્યો છે. મૃતક અને આરોપી એકબીજાને ઓળખતા ન હતા અને પ્રથમ વખત મળ્યા હતા. બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા આરોપીઓ છરીથી હુમલો કર્યો હતો. જેમાં ભાવેશના મોત અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.

શહેર કોટડા પોલીસે ત્રણેય આરોપી ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે. ત્યારે આ હત્યા સામાન્ય ઝઘડા માટે થઈ હતી કે અન્ય કોઈ અદાવત હતી જે દિશામાં તપાસ શરૂ કરી છે.