December 26, 2024

અમદાવાદમાં સિનિયર સિટિઝનોને લૂંટતી ગેંગ ઝડપાઈ

પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી

મિહિર સોની, અમદાવાદઃ સિનિયર સિટીઝનને વિશ્વાસમાં લઈને એટીએમ કાર્ડની અદલાબદલી કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગના ચાર આરોપીઓની ખોખરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ અનેક ગુનાને અંજામ આપ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ખોખરા પોલીસે સન્ની સાંસી, સોનુ સાંસી, મનીષ સાંસી અને કમલ સિંઘ કુશવાહ નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેની પાસેથી અલગ અલગ બેંકના 52 એટીએમ કાર્ડ, પૈસા સ્વાઇપ કરવાના 2 મશીન, 5 મોબાઈલ સહિત રૂપિયા 33 હજાર રોકડા કબ્જે કર્યા છે. આરોપીઓએ કોઈપણ એટીએમ સેન્ટરની બહાર વોચ રાખીને બેસતા હતા અને સિનિયર સિટીઝન જ્યારે પૈસા ઉપાડવા માટે આવે ત્યારે તેને મદદ કરવાના બહાને વિશ્વાસમાં લઈને તેનું એટીએમ કાર્ડ બદલી દેતા હતા અને પીન નંબર મેળવી લેતા હતા. ત્યારબાદ આ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી કેટલાક રૂપિયા ઉપાડી લેતા અને બીજા રૂપિયા સ્પાઇપ મશીન દ્વારા અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી આ ગેંગે શહેરના અનેક વિસ્તારોમાં અલગ અલગ લોકોને ટાર્ગેટ કરીને ગુનાને અંજામ આપી પોલીસની ઊંઘ હરામ કરી દીધી હતી. છેલ્લા દોઢથી બે મહિનામાં આરોપીઓએ 21 જેટલા ગુનાને અંજામ આપ્યો છે અને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. આરોપીઓએ ખોખરા વિસ્તારમાં એક સિનિયર સિટીઝન પાસેથી કાર્ડ ચેન્જ કરીને તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 1.11 લાખ ઉપાડી લીધા હતા. તે અંગે ખોખરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં પોલીસે લગભગ 90થી વધારે સીસીટીવી તપાસીને આરોપીઓને ઝડપી લીધા છે.

આરોપીઓએ મૂળ હરિયાણાના રહેવાસી છે. જો કે, ગુનો આચરવા માટે તેઓ ટ્રેન કે ફ્લાઇટ મારફતે આવનજાવન કરતા હતા અને હોટલ કે ભાડે મકાનમાં રહેતા હતા. જો કે, જ્યારે કોઈ ગુનાને અંજામ આપવા જાય ત્યારે ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી માટે ગૂગલ મેપનો ઉપયોગ કરતા હતા. પકડાયેલા આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે મામલે તપાસ હાથ ધરી છે.