હવેથી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સ્ટાર્ટ અપ કરી શકશે, જાણો તમામ માહિતી
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ વિદ્યાર્થી જોબ સિકર નહીં, પરંતુ જોબ ગિવર બને તે હેતુથી સ્ટાર્ટ અપ પોલિસી લાગુ કરવામાં આવી છે. હાલમાં સ્ટાર્ટ અપ પોલિસી અંતર્ગત રાજ્યના લાખો વિદ્યાર્થીઓ બિઝનેસ તરફ આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જ સ્ટાર્ટ અપ પોલિસી લાગુ હતી, પરંતુ શાળાના વિદ્યાર્થીઓ પણ સ્કૂલ સમયથી જ ઉદ્યોગ સાહસિક તરફ આગળ વધે તે માટે સરકાર પ્રયત્નશીલ છે.
એસએસઆઇપી 2.0 અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને પણ આનો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યારે તેનો યોગ્ય પ્રચાર-પ્રસાર અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ તેનો ઉપયોગ કરે તે હેતુથી આજરોજ એસએસઆઇપીનો એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના તમામ જિલ્લાના ડીઇઓ, ડીપીઓ અને પ્રાચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનારમાં ઉપસ્થિત રહેલા શિક્ષણમંત્રી કુબેર ડિંડોર એ જણાવ્યું હતું કે, હાલમાં 216થી વધુ યુનિકોર્ન થયા છે, ત્યારે વધુમાં વધુ યુવાઓ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. સરકાર આગામી 2027 સુધીમાં રાજ્યની 10 હજાર શાળામા અભ્યાસ કરતા 50 લાખ વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા માટે જાગૃત કરશે.