December 23, 2024

મણીનગરની રૂબ્સ સ્કૂલ મનમાની કરી ફી વસૂલતા વિવાદ, DEOએ નોટિસ પાઠવી ખુલાસો માગ્યો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સંલગ્ન સ્કૂલોમાં ફી વિકલ્પ પસંદ કરાનારી સ્કૂલોની ફી સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. તેમ છતાં પણ અનેક શાળાઓ મનમાની કરીને પોતાની રીતે ફી લઈ રહી છે, જેને લઈને ફરિયાદ થતા શાળાને વધુ ફી ન લેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. મણીનગરમાં આવેલી રૂબ્સ સ્કૂલના સંચાલકે નિયત કરતાં વધુ ફી લેતા ડીઇઓ દ્વારા નોટિસ ફટકારીને ખુલાસો માગવામાં આવ્યો છે. આ સાથે અન્ય સ્કૂલોને પણ વધુ ફી ન વસૂલવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા ફી વિકલ્પ ધરાવતી શાળાઓની ફી નક્કી કરવામાં આવી છે. તેનાથી વધુ ફી એકપણ શાળા લઈ શકતી નથી. તેમ છતાં પણ અનેક એવી શાળાઓ છે, જે નિયત ફી કરતાં વધુ ફી વસૂલતી આવી છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલી રૂબ્લ સ્કૂલ દ્વારા પણ નિયત કરતાં વધુ ફી લેવામાં આવતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખુલાસો માગવામાં આવ્યો છે. વિદ્યાર્થી પાસેથી વાર્ષિક 25 હજાર ફી લેવામાં આવતી હોવાની ફરિયાદ ડીઇઓમાં કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9માં 720 રૂપિયા, ધોરણ 10માં 840 અને ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં 960 અને સાયન્સમાં 1140 અને ધોરણ 12 સાયન્સમાં 1300 રૂપિયા ફી શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે.

હાલ આ સમગ્ર મામલે ડીઇઓની ટીમ દ્વારા સ્કૂલની તપાસ કરવામા આવી હતી. જેને લઇને વધુ ફી ન લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફી વિકલ્પવાળી શાળાઓની ફી નોટિસ બોર્ડ પર લગાવવાનું રહેશે જેથી વાલીઓને ફી અંગે ખ્યાલ આવે. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓની ફી પણ ન લેવા માટે આદેશ કર્યો છે.