November 23, 2024

અમદાવાદના સરખેજમાં પૈસાની લેતીદેતીમાં મિત્ર પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ

ahmedabad sarkhej Attempt to kill friend by firing for money

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં પૈસાની લેતીદેતીમાં મિત્રએ ફાયરિંગ કરીને મિત્રની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી બિલ્ડરે ઉછીના પૈસા ચૂકવાના બહાને મિત્રને બોલાવીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં જમીન દલાલ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સરખેજ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આરોપી નિલેશ ખંભાતયાએ મિત્રને ગોળી મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ મિત્રતાના સંબધ પર લાંછન લગાવતું કૃત્ય કર્યું છે. આ ઘટનાની વાત કરીએ તો સરખેજ વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી હતી. આનંદનગર વિસ્તારમાં રહેતા અને જમીન દલાલનું કામ કરતા હરદતસિંહ ઉર્ફે હરપાલસિંહ જાદવે તેના બિલ્ડર મિત્ર નિલેશ ખંભાયતાની બાપુનગર ખાતેની સ્કીમમાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા. તે સ્કીમ બંધ થઈ જતા જમીન દલાલ હરદતસિંહે બિલ્ડર નિલેશ ખંભાયતા પાસે તેના પૈસા પરત માંગ્યા હતા. જો કે, નિલેશે અમુક રૂપિયા પરત આપ્યા હતા અને બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા બિલ્ડર નિલેશે મિત્ર હરદતસિંહની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પૈસા ચૂકવવા મિત્રને મળવા બોલાવી તેની પાસે રહેલા દેશી કટ્ટાથી ફાયરિંગ કર્યું હતું. જેમાં હાથના ખભાના ભાગે ગોળી વાગતા હરપાલસિંહને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સરખેજ પોલીસે હત્યાના પ્રયાસ કેસમાં આરોપી બિલ્ડર નિલેશની ધરપકડ કરી છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, વર્ષ 2014માં જમીન દલાલ હરદતસિંહ તેના મિત્ર ઉપેન્દ્રસિંહ ચાવડાથી બિલ્ડર નિલેશ ખંભાયતાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ નિલેશ ખંભાયતાએ બાપુનગરમાં ફ્લેટની સ્કીમ શરૂ કરી હતી. તે સ્કીમમાં જમીન દલાલ હરદતસિંહે 30 લાખ રૂપિયામાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા. જો કે, કોઈ કારણસર આ ફ્લેટની સ્કીમ બંધ રહેતા બિલ્ડર નિલેશે 30 લાખમાંથી 17 લાખ રૂપિયા પરત આપી દીધા હતા. બાકીના 13 લાખ માટે હરદતસિંહ બિલ્ડર પાસે ઉઘરાણી કરતા હતા. આખરે હરદતસિંહે ફરીથી પૈસાની ઉઘરાણી કરતા બિલ્ડર નિલેશે તેને એક કાફેમાં મળવા બોલાવ્યા હતા. જ્યાંથી તેણે અન્ય જગ્યા પર જઈને વાતચીત કરવાનું કહેતા જમીન દલાલ ગાડીમાં બેસી જતા હતા. તે દરમિયાન બિલ્ડર નિલેશે બાઈકને ગાડી પાસે લાવીને જમીન દલાલ હરદતસિંહ પર ફાયરિંગ કર્યું હતું.

હાલ તો જમીન દલાલ હરદતસિંહની ફરિયાદના આધારે સરખેજ પોલીસે બિલ્ડર નિલેશ ખંભાયતાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, બિલ્ડર નિલેશે જેનાથી ફાયરિંગ કર્યું તે દેશી કટ્ટો તેને દસ વર્ષ પહેલાં યુપી બિહારથી તેમની સાઈટ પર કામ કરતા મજૂરો પાસે મંગાવ્યો હતો. ત્યારે હવે પોલીસે આરોપીની કસ્ટડી લઈને પૂછપરછ હાથ ધરી હતી.