December 24, 2024

સરદારનગર હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ, 18 વર્ષના યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં હત્યાનો બદલો હત્યાથી લેવાની ઘટના સામે આવી છે. આ હત્યા કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. પ્રેમ પ્રકરણના ઝઘડામાં એક વર્ષ પહેલાં એક યુવકની કરવામાં આવી હતી. આ હત્યાનો બદલો લેવા ચાર શખ્સોએ 18 વર્ષના યુવકને મોતને ઘાત ઉતાર્યો છે.

સરદારનગર પોલીસની કસ્ટડીમાં દેખાતા આ બે આરોપીઓના નામ રવિ મોહન પરમાર અને અજય મોહન પરમાર છે. આ બંને ભાઈઓ સાથે નરેશ પરમાર અને ભરત પરમાર નામના શખ્સોએ ભેગા મળીને 13 જુલાઈના રોજ મોડી રાત્રે પ્રિન્સ વાઘેલા નામના યુવકની હત્યાને અંજામ આપ્યો હતો. આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. મૃતક પ્રિન્સ છેલ્લા એક વર્ષથી મહેસાણામાં રહેતો હતો. જો કે, તેની માતાને ઘર બદલવું હોવાથી પૈસાની જરૂર હોવાથી સરદારનગરમાં મામાના ત્યાં 12 જુલાઈએ આવ્યો હતો. આ દરમિયાન રાતના સમયે આરોપીઓએ તેને વિસ્તારમાં જોઈને માર મારી મોતને ઘાટ ઉતારી નાંખ્યો હતો. આ મામલે મૃતકની માતા આશાબેન વાઘેલાએ ફરિયાદ નોંધાવતા બે આરોપીઓને પકડવામાં આવ્યા છે.

પકડાયેલા આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું હતું કે, એક વર્ષ પહેલાં 5 જૂન 2023ના રોજ મૃતક પ્રિન્સ વાઘેલા અને તેના કૌટુંબિક ભાઈઓ કેશાજી વાઘેલા, કાળુભાઈ વાઘેલા તેમજ શંકર વાઘેલાએ આરોપીના પિતરાઈ ભાઈ ગોપી પરમાર નામના યુવકની હત્યા કરી હતી. આ હત્યા કેસના વોન્ટેડ આરોપી ભરત પરમારને પાડોશમાં રહેતા કાળુભાઈ વાઘેલાની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો અને તેઓ ટેલિફોનિક વાતચીત કરતા પકડાઈ જતા ઝઘડો થયો હતો.

આ ઝઘડા બાદ સમાજની પંચાયત બેસાડી સમાધાન કર્યું હતું અને જેના કારણે ભરત પરમારે મકાન પણ બદલી નાખ્યું હતું. જો કે, બાદમાં તેઓ વિસ્તારમાં પરત જતા ઝઘડો થતાં ચારે જણાએ ભેગા મળીને મારામારી કરતા ગોપી પરમારનું મોત થયું હતું. આ મામલે ભરત પરમારે મૃતક પ્રિન્સ સહિતના 4 લોકો સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પ્રિન્સ તે સમયે સગીર હોવાથી પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થઈ ગયો હતો અને માતા સાથે મહેસાણા રહેતો હતો. જેથી આ હત્યાનો બદલો લેવા આરોપીએ જાહેરમાં હત્યા કરી દીધી હતી.

આ ગુનામાં સામેલ અજય પરમાર અગાઉ બે વખત મારામારીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. હાલ તો પોલીસે ગુનામાં સામેલ ફરાર બે આરોપીઓ ભરત પરમાર અને નરેશ પરમારની શોધખોળ હાથ ધરી છે. ત્યારે એક વર્ષ પહેલાં હત્યાનો બદલો હત્યા કરીને લીધો છે.