January 19, 2025

બેન્કમાં પણ સુરક્ષિત નથી રૂપિયા! અધિકારીઓએ જ કર્યું ફ્રોડ, જાણો તમામ માહિતી

જયેશ ચૌહાણ, અમદાવાદઃ દેશમાં લોકો પોતાના નાણા સુરક્ષિત રાખવા માટે બેંક પર વિશ્વાસ કરતા હોય છે અથવા તો FD કરાવતા હોય છે, પરંતુ હવે તો કેટલાક અનીતિવાળા બેંક અધિકારીઓ અને કર્મચારીઓના લીધે બેંકમાં રહેલા નાણા પણ સુરક્ષિત ન હોય તેવુ લાગી રહ્યું છે. અમદાવાદમાં બનેલા છેતરપિંડીના એક કિસ્સાથી બેંકમાં રહેલી એફડીના રૂપિયા પણ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. ખુદ બેંકમાં કામ કરતા બેંક અધિકારીઓ જ એફડીના નાણાની ઉચાપત કરી ગયા હતા. ત્યારે આ સમગ્ર મામલે અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધતા પોલીસે બેન્કના બે અધિકારીઓની ધરપકડ કરી છે.

અમદાવાદની સરસપુર નાગરિક કો-ઓપરેટિવ બેન્કની ગોતા બ્રાન્ચના બેંક મેનેજર અને બેંક ઓફિસર તરીકે ફરજ બજાવતા 2 લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસને મળેલી ફરિયાદ મુજબ પોલીસે બેંકના મેનેજર નમ્રતાબેન પટેલ અને બેંક ઓફિસર વિરલ બ્રહ્મભટ્ટે સત્તાનો દુરપયોગ કરી લોન સેન્ક્સન કરાવી બદલામાં પૈસા પડાવતા હોવાનો આરોપ છે. જેને લઇ EOWએ બંને આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા ખુલાસો થયો છે કે, સરસપુર નાગરિક કો-ઓપરેટિવ બેન્કની ગોતા બ્રાન્ચમાં લૉન અધિકારી વિરલ બ્રહ્મભટ્ટ દ્વારા તેના પિતા ભરત બારોટ અને પત્ની અપેક્ષા બ્રહ્મભટ્ટના નામની એફડી પર ઓડી ગોતા બ્રાન્ચમાં ખોલાવી હતી. જેમાં સૌપ્રથમ તેમની એફડીની રસીદ સામે બેંક દ્વારા ઓવરડ્રાફ્ટની લિમિટ મેળવી તેના રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ અન્ય લોકોની એફડીઓ તેમની જાણ બહાર જ બેંક દ્વારા ઓડી કરી તેમના રૂપિયા પોતે મેળવી લીધા હતા.

આ પણ વાંચોઃ એમ્બ્યુલન્સના નામે છેતરપિંડી કરનારા ડોક્ટર સહિત 2 લોકોની ધરપકડ

બંને આરોપીઓની મિલીભગત પણ પોલીસ પૂછપરછમાં સામે આવી. એટલું જ નહીં, બેંક પ્રક્રિયામાં મેનેજર અને ઓફિસર બંનેની સંયુક્ત કામગીરી દ્વારા જ લોકોની એફડી પર ઓડીની પ્રક્રિયા થતી હોય છે. જેને લઈને ઓફિસર દ્વારા એફડી પર ઓડીની પ્રક્રિયા કર્યા બાદ મેનેજર નમ્રતા પટેલ દ્વારા ઓફિસર વિરલ બ્રહ્મભટ્ટને એફ ડીલિયન કરવા તેમણે બેંક તરફથી આપવામાં આવતા યુઝર આઇડી અને મોબાઇલમાં આવતા ઓટીપી આપ્યા હતા. બંનેએ સાથે મળી એફડીની ઓડી ખાતામાં લિમિટ વધારવા કરાતી પ્રક્રિયા કરી 3 કરોડથી વધુ રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે બેંક ઓફિસર વિરલ બ્રહ્મભટ્ટ અને બેંક મેનેજર નમ્રતા પટેલની ધરપકડ કરી છે. બંને અધિકારીઓએ 10 જેટલા લોકોની એફડી પરથી રૂપિયા મેળવી છેતરપિંડી કરી હોવાનું પુછપરછમાં ખુલ્યુ છે.

પોલીસે આ કેસમાં માસ્ટર માઈન્ડ વિરલ બ્રહ્મભટ્ટની પૂછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે, મોજશોખ કરવા અને જુગાર રમવા માટે રૂપિયાની જરૂર હોવાથી તેણે બેન્કના મેનેજર નમ્રતા પટેલને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી બેંકના ઓટીપી તેમજ યુઝર આઇડી મેળવી લીધા હતા. નમ્રતા પટેલે પણ રૂપિયાની લાલચે વિરલ સાથે મળીને વર્ષ 2022થી 24 દરમિયાન અલગ અલગ ખાતાઓમાંથી 3 કરોડથી વધુની ઉચાપત કરી છે. કૌભાંડમાં અન્ય કોઈ બેંકના અધિકારી કે કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ અને આરોપીઓએ અન્ય કોઈ ખાતાધારક સાથે છેતરપિંડી કરી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.