December 21, 2024

અમદાવાદઃ પાર્સલમાં બ્લાસ્ટ થતા 2 ઇજાગ્રસ્ત, અંગત અદાવતમાં બ્લાસ્ટ કરાવ્યો હોવાની આશંકા

અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં બ્લાસ્ટની ઘટના બની છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાની વિગતો સામે આવી છે. જેમાં પાર્સલ લાવનારો વ્યક્તિ અને પાર્સલ લેનારો વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી પ્રમાણે, સાબરમતી વિસ્તારમાં એક વ્યક્તિના ઘરે પાર્સલ આવ્યું અને તરત જ તેમાં જોરદાર બ્લાસ્ટ થયો છે. જેમાં પાર્સલ લાવનારો વ્યક્તિ અને પાર્સલ લેનારો વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. ત્યારે તાત્કાલિક બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, હાઇકોર્ટમાં કામ કરતા બળદેવ સુખડિયાના ઘરે પાર્સલ આવ્યું હતું. આ ઉપરાંત ગઈકાલ રાતે પણ ત્રણ અજાણ્યા વ્યક્તિઓ પાર્સલ આપવા આવ્યા હતા. પરિવારિક અંગત અદાવતને કારણે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.

ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ આપવા આવ્યો હતો. રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવ્યો હોવાની હકીકત સામે આવી છે. રૂપેણ બારોટના તેની પત્ની સાથે છૂટાછેડા થયા છે. રૂપેણભાઈની પત્ની બળદેવભાઈને ભાઈ માનતી હતી. બળદેવભાઈના કારણે છૂટાછેડા થયા હોવાનું રૂપેણ બારોટ માનતો હતો. ત્યારે તે વાતની અદાવત રાખીને રૂપેણ બારોટે પાર્સલ મોકલ્યું હતું. ગૌરવ અને અન્ય બે લોકોને બ્લાસ્ટ કરવા મોકલ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કયા કારણોસર બ્લાસ્ટ થયો છે, તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે, સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો-હાઉસમાં આ ઘટના બની હતી. જેમાં કિરીટ સુખડિયા નામના વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. ત્રણ લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. પરિવારજનોએ કહ્યુ હતુ કે, એક વ્યક્તિ દરવાજા પર આવ્યો હતો અને અન્ય બે વ્યક્તિ બહાર ઉભા રહ્યા હતા. ગઈકાલ રાતે પણ બે લોકો આવ્યા હતા.