December 26, 2024

અમદાવાદ ગ્રામ્ય પોલીસે કાર ચોરીનું રેકેટ ઝડપ્યું, બે આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ ગ્રામ્ય પોલીસે કારચોરીનું મોટું રેકેટ ઝડપ્યું છે. આ રેકેટ ઝડપાવવાથી ડ્રગ્સની હેરાફેરીના ગુનાઓ ઉપર બ્રેક લાગશે. કારણ કે, ડ્રગ્સના ગુના આચરવા માટે આરોપીઓ મહત્વની ભૂમિકા સામે આવી છે. પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે ઓમપ્રકાશ ખંગરારામ અને માંગીલાલ ખીલેરી નામના બે આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના છે અને બંને આરોપીઓ એક ખાસ ગેંગ સાથે સંકળાયેલા છે. તે કાર ચોરી કરવામાં માહેર છે. ન માત્ર આટલું જ પણ આરોપીઓ કાર ચોરી કર્યા બાદ કારને રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ગુનેગારોને વેચી દેતા હતા. ખરીદનારા આરોપીઓ આવી ચોરી થયેલી કારનો ઉપયોગ ડ્રગ્સ તેમજ નશાયુક્ત પદાર્થોની હેરાફેરી માટે કરતા હતા. આ સાથે જ આરોપીઓ કેટલીક ગાડીઓ ગેરેજમાં પણ વેચતા હતા. આ આરોપીઓની ગેંગ રાતના સમયે પોશ વિસ્તારમાં નીકળીને કારની રેકી કરતા હતા અને રાત્રે 3:00 વાગ્યાના અરસામાં ગાડી ચોરી કરી નાસી છૂટતા હતા. ગાડી ચોરી કર્યા બાદ તેઓ નંબરપ્લેટ બદલીને કારને છૂપાવી દેતા હતા અને થોડા સમય બાદ વેચી દેતા હતા.

ઝડપાયેલા બંને આરોપીઓ ગાડી માટેનું ટેક્નિકલ જ્ઞાન ધરાવતા હતા અને આ જ કારણથી બંને આરોપીઓ આજદિન સુધી ગાડીની ચોરી કરતી વખતે પકડાયા નથી. એટલુ જ નહીં, કોઈ પણ કારમાં ચોરી થતી વખતે સાયરન પણ વાગતું નહોતું. કારણ કે, આરોપીઓ વાહનને લઈને એક્સપર્ટ હતા. તેઓ ચોરી કરતી વખતે સૌથી પહેલા કારના સાયરન તોડી નાંખતા હતા. આ સાથે જ કારમાં નાખવામાં આવેલી ટ્રેકિંગ સિસ્ટમ પણ કાઢી નાંખતા હતા. જેથી ચોરી થયેલી કારને ટ્રેક ન કરી શકાય. આરોપીઓ કાર ચોરી કરવા માટે સ્વિફ્ટ તેમજ સ્કોર્પિયો કારની જ પસંદગી કરતા હતા. કારણ કે, ડ્રગ્સના ગુના આચરતી ગેંગ આ પ્રકારની જ કારની ડિમાન્ડ કરતા હતા. જેથી આરોપીઓએ અત્યાર સુધીમાં વડોદરામાંથી 3, ગાંધીનગરમાંથી 2 અને અમદાવાદ ગ્રામ્યમાંથી એક ગાડીની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

આરોપીએ અત્યાર સુધીમાં ચોરી કરીને વેચેલી કારનો ઉપયોગ ક્યાં ક્યાં અને કોણે કર્યો છે, તે બાબતે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. તપાસના અંતે ન માત્ર કાર ચોરી પરંતુ એનડીપીએસના ગુનાઓનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે વ્યક્ત કરે છે.