December 23, 2024

ખોટા ડોક્યુમેન્ટ બનાવી RTEમાં એડમિશન લેનારા 170 વિદ્યાર્થીઓનાં ફોર્મ રદ

Ahmedabad rte admission bogus documents 170 students form cancelled

ફાઇલ તસવીર

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખોટા ડોક્યુમેન્ટને આધારે પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરનારા 170થી વધુ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. વાલીઓને નિયત ફી ભરીને એડમિશન લેવા માટે DEOએ આદેશ કર્યો છે.

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગરીબ અને વંચિત જૂથના વિદ્યાર્થીઓને 25% લેખે પ્રવેશ આપવામાં આવે છે. જે પૈકી અનેક વાલીઓ ફી ભરવાની બચવા માટે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને પોતાના બાળકોના એડમિશન કરાવે છે. ત્યારે આવા 170 જેટલા એડમિશન અમદાવાદ DEO દ્વારા રદ કરવામાં આવ્યા છે. ઉદ્દગમ સ્કૂલ, ઝેબર સ્કૂલ, ગ્લોબલ સ્કૂલ સહિત અનેક સ્કૂલોમાં ખોટા ડોક્યુમેન્ટને આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. ઉદ્દગમ સ્કૂલના 106 વિધાર્થીઓ, ગ્લોબલ સ્કૂલના 46, અનંદનિકેતન સ્કૂલના 6 અને ઝેબાર સ્કૂલના 10 અને એપલ સ્કૂલ અને H3 સ્કૂલના 1-1 વિધાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ઇન્સટન્ટ લોનના નામે 5 લોકો સાથે ઠગાઈ, સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી

RTE અંતર્ગત એડમિશન લેનારા વાલીઓ પાસેથી ઈનકમ ટેક્સ રિટર્ન પણ અપલોડ કરવામાં માટે ગત વર્ષે સૂચના આપવામાં આવી હતી. જે પણ અનેક વાલીઓએ અપલોડ કર્યા ન હતા. પરંતુ અમદાવાદની ખાનગી શાળાઓએ એજન્સી રાખીને તપાસ કરતા શહેરના 300થી વધુ વાલીઓએ ખોટા પુરાવાઓ રજૂ કરીને એડમિશન લીધા હતા. જેની સુનાવણી અમદાવાદ DEO દ્વારા રાખવામાં આવી હતી.

આ સમગ્ર મામલે DEOએ જણાવ્યું હતું કે, સ્કૂલની ફરિયાદને આધારે વાલીઓને રૂબરૂમાં બોલાવીને ખુલાસો માગવામાં આવ્યો હતો અને જેમના 36 વાલીઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એડમિશન ચાલુ રાખવામાં આવ્યા છે. જ્યારે 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે અને નિયત ફી ભરીને એડમિશન ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે.