January 18, 2025

ભગવાનના લાખેણા મામેરાનાં દર્શન, મોટી સંખ્યામાં ભક્તો મોસાળમાં ઉમટ્યા

અમદાવાદઃ શહેરમાં 147મી રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભગવાન જગન્નાથજીના મામેરાનાં દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસપુરમાં આવેલા રણછોડજી મંદિરમાં મામેરાનાં દર્શનનું આયોજન કર્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.

મામેરાની શોભાયાત્રાનું આયોજન
વસ્ત્રાલમાં યજમાન દ્વારા શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાશે. વાજતેગાજતે ભાણેજનું સામૈયું કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે શોભાયાત્રા વસ્ત્રાલથી નિરાંત ચાર રસ્તા, કર્ણાવતી ચોકડી અને તનમન ચોકડીથી પરત આવશે. ત્યારબાદ બે દિવસ સુધી વસ્ત્રાલમાં થશે મામેરાનાં દર્શન થશે. આ ઉપરાંત આવતીકાલે થશે 147 અન્નકૂટના દર્શન થશે.

અષાઢી બીજે મામેરું ભરવામાં આવશે
અષાઢી બીજના રોજ ભગવાન નગરચર્યાએ નીકળશે અને મામાનું ઘર ગણાતા સરસપુરમાં આવશે ત્યારે રાજવી ઠાઠ સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીને મામેરું અર્પણ કરવામાં આવશે. આ વર્ષે વસ્ત્રાલમાં રહેતા વિનોદ પ્રજાપતિ અને તેમના પરિવાર દ્વારા ભગવાનને મામેરું અર્પણ કરવામાં આવશે.

પાંચ વર્ષે પ્રજાપતિ પરિવારનો નંબર આવ્યો
પાંચ વર્ષથી પ્રજાપતિ પરિવાર મામેરાની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે આખરે તેમને આ અવસર મળતા સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. આ વર્ષે ભગવાનના વાઘા મોરપિંછ અને હાથીની થીમ પર બનાવવામાં આવ્યા છે. સ્પેશિયલ વેલવેટના વાઘા બનાવવામાં આવ્યા છે.

તો બીજી તરફ, રજવાડી ડિઝાઇનમાં ભગવાનના દાગીના તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે આ લાખેણા મામેરાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મોસાળમાં આવ્યા હતા. તેટલું જ નહીં, આ પ્રસંગે ભજનો-ગીતોની રમઝટ બોલાવી ઉત્સવ જેવી ઉજવણી કરી હતી.