કોંગ્રેસના દિગ્ગજ નેતા-ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું રાજીનામુ
અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંબોધીને કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપ્યુ છે. આ ઉપરાંત તેમણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવાના નિર્ણયને કારણે રાજીનામુ આપ્યું હોવાનું કારણ દર્શાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે અંબરિશ ડેર ભાજપમાં જોડાવવાના છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જ કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું પડ્યું છે. આ ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી પણ રાજીનામુ આપ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામુ સોંપ્યું છે.
પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પદે રહી ચૂક્યા છે મોઢવાડિયા
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા વર્ષ 2002થી 2012 સુધી પોરબંદર બેઠક પર ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. ધારાસભ્ય ઉપરાંત દંડક તરીકે સારી કામગીરી કરતા પક્ષ દ્વારા અર્જુન મોઢવાડીયાને વિપક્ષ નેતાનું પદ આપ્યું હતું. ત્યારબાદ 2012ની ચૂંટણીમાં મોઢવાડીયા હારી જતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવામાં આવ્યા હતા. અર્જુનભાઇ મોઢવાડીયાને શાંત અને ધીરગંભીર સ્વભાવના માનવામાં આવે છે.
હાલ પોરબંદરથી ધારાસભ્ય છે
ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન પોરબંદરના વિકાસ માટે મિશન સિટી અંતર્ગત 872 કરોડની ખાસ ગ્રાન્ટ કોંગ્રેસના તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ પાસે મંજૂર કરાવી હતી. તેમજ પોરબંદર શહેર અને બાયપાસને જોડતો ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરાવ્યો હતો. નવા એરપોર્ટ માટે અવારનવાર રજૂઆતો કરી નવા એરપોર્ટની કામગીરીઓ શરૂ કરવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ તેઓ પોરબંદરના ધારાસભ્ય છે.