અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી, ભિક્ષાવૃત્તિ કરતા 12 બાળકોનું રેસ્ક્યૂ
મિહિર સોની, અમદાવાદઃ શહેરના અલગ અલગ ચાર રસ્તા પર બાળકો દ્વારા થતી ભિક્ષુકવૃત્તિને રોકવા શહેર પોલીસ કમિશનરે કાર્યવાહીના આદેશ આપ્યા હતા. બાળ તસ્કરીની આશંકાને પગલે ક્રાઈમ બ્રાન્ચની AHTU શાખાને ડ્રાઈવ માટે સૂચન કર્યા હતા. પોલીસને શંકા હતી કે, નાના બાળકોને જબરદસ્તી ભિક્ષાવૃત્તિના ધંધામાં ધકેલવામાં આવે છે. આ બાબતની તપાસ માટે શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
12મી જુલાઈના રોજ શરૂ કરવામાં આવેલી ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 12 જેટલા બાળકોને અલગ અલગ વિસ્તારોમાંથી ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે રેસ્ક્યૂ કરેલા બાળકોમાં મોટાભાગનાં બાળકોના માતાપિતા દ્વારા જ તેમને ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવતી હતી. આ બાળકોનાં માતા-પિતા દિવ્યાંગ હોય અથવા શારીરિક અશક્ત હોવાથી બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસે રેસ્ક્યૂ કરેલા 12 બાળકોમાંથી 11 બાળકોને તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા છે. જ્યારે એક બાળકને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યો છે. બાળકોની તસ્કરીને લઈને આગામી 12 ઓગસ્ટ સુધી હજુ આ ડ્રાઈવ ચાલુ રહેશે. જેમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને ભિક્ષાવૃત્તિથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે જ AHTU નીટ ટીમે છેલ્લા આઠ દિવસમાં ઇ-સિગારેટના અને પાનના ગલ્લા પરથી બાળકોને પાન-મસાલા, ગુટખા અને સિગારેટ વેચવા મામલે આઠ ગુના દાખલ કર્યા છે.