December 21, 2024

અમદાવાદ પોલીસની સેટેલાઇટની સોસાયટીમાં રેડ, દારૂની બોટલો સાથે એકની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ 31 ડિસેમ્બર આવતા જ બૂટલેગરો સક્રિય થઈ ગયા છે. પોશ વિસ્તારમાં હોમ ડિલિવરી કરતા બૂટલેગરોએ નજીકની બોર્ડરો પાસેથી દારૂ ખરીદીને સ્ટોક એકત્રિત કરી લીધો છે. કેટલાક બૂટલેગરોએ તો પ્રિઓર્ડર પણ લઈ લીધા છે. આવા જ બૂટલેગરો પર પોલીસે સકંજો કસ્યો છે. તેવામાં ઝોન-7 એલસીબીએ સેટેલાઇટમાં આવેલી એક સોસાયટીમાં રેડ કરી હતી. જ્યાં બૂટલેગરે દારૂનો જથ્થો ભરી રાખવા માટે મકાન ભાડે રાખ્યું હતું.

પોલીસ રેડમાં ડિલિવરી માટે રાખેલો યુવક ઝડપાયો હતો અને ફરાર બૂટલેગરને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રાજસ્થાનથી લવાયેલી મોંઘીદાટ પ્રીમિયમ દારૂની 96 બોટલો કબ્જે લેવાઈ છે. બૂટલેગરોના ચોક્કસ ગ્રાહકો કોણ કોણ હતા તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે. ઝોન-7 ડીસીપીના એલસીબી પીએસઆઇ વાયપી જાડેજા અને ટીમે બાતમીના આધારે આઝાદ સોસાયટી પાસે ન્યૂ અલકનંદા સોસાયટીમાં રેડ કરી હતી.

રેડ દરમિયાન આરોપી કુલદીપ મહિડા ઝડપાયો હતો. ઘરમાંથી પ્રીમિયમ બ્રાન્ડની દારૂની 96 બોટલો મળી હતી. પોલીસે 1.28 લાખની મતાનો જથ્થો ઝડપી આરોપીની પૂછપરછ હાથ ધરી ત્યારે જણાયું હતું કે, આ જથ્થો મૂળ રાજસ્થાનના હિમાંશુ પંડ્યા નામના બૂટલેગરે લાવીને રાખ્યો હતો. આ મકાન 18 હજારના ભાડે દારૂનો જથ્થો સંતાડવા માટે રાખ્યુ હતું. હિમાંશુ તેના નક્કી કરેલા ગ્રાહકોને જ દારૂ વેચતો હતો.

દારૂની બોટલો ડિલિવરી કરવા કુલદીપને 12 હજારના પગાર પર રાખ્યો હતો. કુલદીપ દારૂની બોટલો ડિલિવરી કરવાનું કામ કરતો હોવાથી લોકોને શંકા ન જાય તે માટે આ જ ફ્લેટમાં ભાડે રહેતો હતો. ત્યારે પોલીસે ફરાર આરોપી હિમાંશુને શોધવા તજવીજ હાથ ધરી છે. ત્યારે પકડાયેલ દારૂનો જથ્થો 31મી માટે વેચવા લાવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.