December 26, 2024

અમદાવાદ પોલીસે બે ડિજિટલ વ્યાજખોરોની ધરપકડ કરી, ગરીબોને ટાર્ગેટ બનાવતા હતા

મિહિર સોની, અમદાવાદઃ શહેર પોલીસ દ્વારા વ્યાજખોર સામે ગુનો દાખલ કરી તેની ધરપકડની કામગીરી કરવામાં આવે છે. તેવામાં હવે પોલીસે ડિજિટલ વ્યાજખોરની ધરપકડ કરી છે. આર્થિક ગુના નિવારણ શાખાએ માહિતીના આધારે દાણીલીમડા પાસેથી બે યુવકોને પકડી તેમના ફોનની તપાસ કરતા તેમાંથી વ્યાજે આપેલા પેસાની ડિજિટલ ખાતાવહી મળી આવી હતી. આરોપીઓએ 100થી વધુ લોકોને વ્યાજે પૈસા આપી મહિને ઉંચો વ્યાજદર મેળવતા હતા.

આર્થિક ગુના નિવારણ શાખાએ આ મામલે અલ્લારખા અબ્દાલ અને સઈદ શેખ નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને શખ્સોની સામે વ્યાજખોરી બાબતે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. હાલમાં વ્યાજખોરો સામે રાજ્યભરમાં ઝુંબેશ ચાલી રહી છે. તેવામાં આર્થિક ગુના નિવારણ શાખાની ટીમને મળેલી માહિતીના આધારે દાણીલીમડા પાસે આવેલી લકી રેસ્ટેરેન્ટ હોટલ બહારથી બે યુવકોને પકડવામાં આવ્યા. બંનેની તપાસ કરતા તેમની પાસેથી મોબાઈલ મળી આવ્યા છે. જે મોબાઈલમાં પોલીસે તપાસ કરતા તેમાં ખાતાવહી નામની એપ્લિકેશનમાં વ્યાજે પૈસા આપ્યા હોય તેની વિગતો લખેલી જોવા મળી હતી. અલ્લારખાના ફોનમાંથી 68 જેટલા લોકોને વ્યાજે આપેલા 3.99 લાખ રૂપિયાની એન્ટ્રી હતી, જ્યારે સઈદ શેખના ફોનમાં 45 લોકોને આપેલા 5.68 લાખ રૂપિયાના હિસાની એન્ટ્રીઓ મળી હતી.

આર્થિક ગુના નિવારણ શાખાએ બંને આરોપીઓની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. વધુ પુછપરછમાં સામે આવ્યું કે, બંને આરોપીઓ લારીવાળા, રીક્ષાવાળા તેમજ ગલ્લાવાળાઓને વ્યાજે પૈસા આપતા હતા અને દર મહિને 15 ટકાથી વધુ વ્યાજ વસૂલતા હતા. આરોપીઓ કોઈને પણ વ્યાજે 5 હજાર રૂપિયા આપે તો પહેલા 500 રૂપિયા કાપી લેતા અને બાદમાં દરરોજ 100 રૂપિયા લેખે 55 દિવસ સુધી 5500 રૂપિયા વસૂલ કરતા હતા. તેવી જ રીતે 10 હજાર રૂપિયા વ્યાજે આપતા તો 1 હજાર રૂપિયા કાપીને બાદમાં રોજના 200 રૂપિયા 55 દિવસ સુધી મેળવી 11 હજાર રૂપિયા મેળવતા હતા.

આરોપીઓ ગરીબ વર્ગના લોકોને ટાર્ગેટ કરીને તેમના ઓરિજનલ ડોક્યુમેન્ટ પણ લઈ લેતા હતા. અત્યાર સુધીની તપાસમાં કુલ 113 ભોગ બનનાર મળી આવ્યા છે, તેવામાં આ કેસમાં આરોપીઓની વધુ તપાસ કરી અન્ય કોઈ ભોગ બનનાર છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.