31મી ડિસેમ્બરે પોલીસની કાર્યવાહી, 218 દારૂડિયા સાથે 223 ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસ કર્યા
મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં 31 ડિસેમ્બરની રાત્રે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક જ રાતમાં સ્થાનિક પોલીસે દારૂ પીધેલા 218 અને દારૂ પીને વાહન ચલાવનાર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 223 જેટલા કેસ કરીને દારૂ પીધેલા લોકોની ધરપકડ કરી છે.
આ સાથે સિંધુ ભવન રોડ પરથી ઝોન 7 LCBએ MD ડ્રગ્સના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી હતી અને આ મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 31 ડિસેમ્બરને લઈને અમદાવાદમાં 14 જેટલા આયોજકોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 31ની રાત્રે 6 હજારથી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ બંદોબસ્ત હાજર રહ્યા હતા.
પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં દારૂ પીધેલા અને ડ્રિન્ક ડ્રાઈવના 441 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેની માટે 203 બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે, અમદાવાદમાં અનેક પોલીસ સ્ટેશન એવા હતા, જેમાં એકપણ પ્રોહિબિશનનો કેસ નોંધાયો ન હતો.