રોંગ સાઇડ ડ્રાઇવના પહેલા દિવસે 190 લોકો સામે ગુનો નોંધાયો
અમદાવાદઃ ટ્રાફિક પોલીસ સહિત સ્થાનિક પોલીસે રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરવા મામલે 10 દિવસની મેગા ડ્રાઇવનું આયોજન કર્યું છે. ત્યારે પહેલા જ દિવસે રોંગ સાઇડ આવતા 190 જેટલા વાહનચાલકોને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે રોંગ સાઇડમાં આવતા વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, 10 દિવસ રોંગ સાઇડ ડ્રાઇવ ચલાવી કાર્યવાહી કરશે.
અમદાવાદ પોલીસે પરિપત્ર જાહેર કર્યો હતો
અમદાવાદ પોલીસે પરિપત્ર જાહેર કરી આ અંગે માહિતી આપી છે. આ પરિપત્રમાં જણાવ્યુ છે કે, શહેરમાં બનતા અકસ્માતના બનાવો ઘટાડવા માટે તેમજ ટ્રાફિક નિયમોની સુગમ્ય અમલવારી માટે ડ્રાઇવ રાખવી જરૂરી છે. અમદાવાદ શહેરમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા ચાલકો સામે વધુમાં વધુ ગુના નોંધવા માટે જણાવવામાં આવ્યું છે. તારીખ 22 જૂનથી શરૂ થતી આ ડ્રાઇવ 9 દિવસ એટલે કે 30મી જૂનના દિવસે પૂર્ણ થશે.
વાહનચાલકો સામે ગુનો નોંધાશે
આ ડ્રાઇવ અંતર્ગત રોંગ સાઇડ વાહનો ચલાવનારા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. કાર્યવાહીમાં આવા વાહનચાલકો સામે FIR કરવામાં આવશે. ત્યારબાદ જે વ્યક્તિ સામે ગુનો નોંધાયો હશે તેમને જામીન લેવા માટે પોલીસ સ્ટેશન જવું પડશે.