પીરાણાના ધાર્મિકસ્થળ પર તોડફોડ બાદ તંગદિલ માહોલ, 30થી વધુ લોકોની અટકાયત
મિહિર સોની, અમદાવાદઃ શહેરના પીરાણામાં આવેલા ધાર્મિક સ્થળ પર તોડફોડ કર્યા બાદ બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ જૂથ અથડામણમાં પોલીસકર્મી સહિત ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અસલાલી પોલીસે ટોળા વિરુદ્ધ રાયોટીંગ હેઠળ ગુનો નોંધી 30થી વધુ લોકોની અટકાયત કરી હતી.
પીરાણા માં આવેલ ધાર્મિક સ્થળ અનેક વખત વિવાદમાં આવ્યું છે. ત્યારે ફરી એક વખત આ ધાર્મિક સ્થળ પર તોડફોડ કરતા બે જૂથ આમનેસામને આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પથ્થરમારાના મેસેજ ગ્રામ્ય પોલીસને મળતાં જ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. આ જૂથ અથડામણમાં પોલીસ કર્મચારી સહિત ચારથી પાંચ લોકોને ઇજા પહોંચી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અસલાલી પોલીસ જૂથ અથડામણ કેસમાં રાયોટીંગનો ગુનો નોંધી બે જૂથના લોકોની અટકાયત કરી છે. આ ધાર્મિક સ્થળ પર તોડફોડ કરનારા લોકોની પોલીસે ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
પીરાણાનું આ ધાર્મિક સ્થળ બે જૂથના આસ્થાનું કેન્દ્ર રહેલું છે. ઘણાં વર્ષોથી બે જૂથ વચ્ચે માથાકૂટ ચાલે છે. ત્યારે કોઈ ધર્મની લાગણી ન દુભાય તે માટે એક ટ્રસ્ટ સંચાલિત ધાર્મિક સ્થળનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પણ ગત મોડી રાત્રે કોઈ શખ્સ દ્વારા ધાર્મિક સ્થળ પર તોડફોડ કરી દેતા બે જૂથ વચ્ચે અથડામણ સર્જાયું હતું અને આ બનાવ બાદ ગામના લોક એ દુકાન બંધ કરી દીધી હતી.
મહત્વનું છે કે, આ ધાર્મિક સ્થળ અગાઉ પણ વિવાદમાં આવ્યું હતું અને સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હજી પણ આ વિવાદનો અત આવ્યો નથી અને ફરી ધાર્મિક સ્થળ પર તોડફોડ અને જૂથ અથડામણે ફરી એક વખત વિસ્તારમાં તંગદિલીભર્યો માહોલ સર્જ્યો છે. હાલમાં ગ્રામ્ય પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ કાબુમાં લીધી છે. આ ઘટના પાછળ કોણ જવાબદાર છે, તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે.