પાલડીમાં પુત્રએ માતાની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો
મિહિર સોની, અમદાવાદઃ માનસિક ડિપ્રેશનમાં પુત્રએ માતાનું ગળું કાપીને હત્યા કરી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી છે. GSL કોલેજના પ્રોફેસર બીમારી અને અપરિણીત હોવાથી તણાવમાં રહેતા હતા. પાલડી પોલીસે હત્યા અને આત્મહત્યા મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
માનસિક ડિપ્રેશનમાં GSL કોલેજના ઇકોનોમિકના પ્રોફેસર 42 વર્ષીય મૈત્રેય ભગતે વૃદ્ધ 75 વર્ષીય માતા દતા ભગતની હત્યા કરીને આપઘાત કર્યો છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, પાલડીમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટમાં મૈત્રેય ભગત પોતાની માતા સાથે રહેતા હતા. આજે સવારે ઘરની બહાર મૂકેલા ન્યૂઝ પેપર અને દૂધને જોતા પડોશીને શંકા ગઈ હતી. વહેલી સવારે દતાબેન દૂધ લઈને રૂટિન કામમાં લાગી જતા હોય છે અને પાડોસીઓને જયશ્રી કૃષ્ણ પણ કહેતા હતા. પરંતુ આજે સવારે ઘર અંદરથી બંધ હોવાથી પાડોશીઓ ઘરનો દરવાજો ખોલીને ચેક કરતા ડ્રોઈંગ રૂમમાં મૈત્રેય ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે રૂમમાં ચેક કરતા દતા ભગત બેડરૂમમાં લોહીલુહાણ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પાડોશીઓએ પોલીસને જાણ કરતા DCP ઝોન 7, ACP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ તપાસમાં મૈત્રેયે માતાનું ગળું કાપીને હત્યા કરીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ LDની હોસ્ટેલમાં વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો, પરિવાજનોનો લાશ સ્વીકારવાનો ઇનકાર
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૈત્રેયના પિતા દિલીપ ભગત ડોકટર હતા. તેમનું ઓઢવમાં ક્લિનિક આવેલું હતું. જ્યારે બહેનના લગ્ન થઈ જતા તે સુરત સાસરીમાં રહે છે. 6 વર્ષ પહેલાં દિલીપભાઈને હાર્ટએટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. જેથી મૈત્રેય પોતાની માતા સાથે મહાલક્ષ્મી ફ્લેટમાં રહેતા હતા. માતા-પુત્ર વચ્ચે ખૂબ જ પ્રેમ હોવાનું પરિવાર કહે છે. મૈત્રેય GLS કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. 42 વર્ષના મૈત્રેય અપરિણીત હતો. તેમજ તેમને હાર્ટની તકલીફ હતી અને ડાયાબીટીસના દર્દી પણ હતા. જેથી તેઓ શારીરિક પીડા સહન ના થતાં તે માનસિક ડિપ્રેશનમાં રહેતા હતા. જો કે, પાડોશીના નિવેદનમાં સામે આવ્યું છે કે, પુત્ર મૈત્રેય ડિપ્રેશન હોવાથી કોઈ સાથે બહુ વાતચીત કરતો ન હતો. જેથી માતાની હત્યા કરીને આપઘાત કર્યો હોવાની પોલીસે શક્યતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, મૈત્રેયે આપઘાત પહેલાં છેલ્લે મામા સાથે વાત કરી હતી. જેથી પાલડી પોલીસે મોબાઈલની કોલ ડિટેઇલ્સ મેળવીને FSLની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.
માતા-પુત્રનાં મોતથી સોસાયટીમાં શોકનો માહોલ ફેલાયો છે. આર્થિક રીતે મજબૂત અને સામાજિક રીતે સન્માનિત દીકરાએ શા માટે માતાની હત્યા કરીને આપઘાત કર્યો તે કારણ જાણવા પોલીસે પરિવાર અને પાડોશીઓનાં નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.