ઓઢવ વિસ્તારમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં વેપારીને છરી બતાવીને લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ મામલે ચાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા મિત્ર સાથે મળી લૂંટારૂ બન્યો હતો. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
ઓઢવ પોલીસે આ મામલે આરોપી હર્ષિલ કુચારા, અમિત પંચાલ, આર્યન રાઠોડ અને જય સોલંકીની લૂંટ કેસમાં ધરપકડ કરી છે. આ ઘટનાની વાત કરીએ તો, ઓઢવ જડેશ્વર વનથી મુરલીધર સોસાયટીમાં બાઈક પર લૂંટારુઓ આવી વેપારી જગદીશ પટેલ છરી બતાવી 2.5 લાખ રોકડ અને ચેન લૂંટી લીધી હતી. ત્યારબાદ તપાસ કરતા ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપી આર્યનને નવો વ્યવસાય શરૂ કરવો હોવાથી તેનો મિત્ર જય સાથે મળી લૂંટ કરવા પ્લાન નક્કી કર્યો હતો. આ લૂંટનો માસ્ટર માઇન્ડ જય છે. અગાઉ પણ જય વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે. જય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મુખ્ય આરોપી જય સામે અગાઉ મારામારીનો કેસ પણ નોંધાયો હતો. સોનાની ચેનને પણ રિકવર કરવામાં આવી છે. રામોલ ઇસનપુર ચેન સ્નેચિંગ અને નિકોલ બાઇક ચોરીનો ગુનો ડિટેક્ટ થયો છે. હાલ ગુનામાં વાપરેલા છરી પણ પોલીસે રિકવર કર્યા છે.