December 24, 2024

આડાસંબંધમાં નડતરરૂપ યુવકની જાહેરમાં હત્યા, આરોપી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતો

મિહિર સોની, અમદાવાદઃ પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં આડાસંબંધમાં નડતરરૂપ યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. પોલીસકર્મી સહિત ત્રણ લોકોએ ભેગા મળીને હથિયારો વડે હુમલો કરી હત્યા કરી નાંખી હતી. આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

શહેરના નિકોલ વિસ્તારમાં ગત મોડી રાતે સરાજાહેર હત્યાનો ખૂની ખેલ ખેલાયો હતો. પોલીસકર્મી સહિત ત્રણ લોકોએ એક યુવક પર જીવલેણ હુમલો કરી તેની હત્યા નીપજાવી હતી. મૃતક યુવક બાદલ પટણીના માસી સુરેખા પટણીના મુખ્ય આરોપી લલિત પટણી સાથે આડાસંબંધો હતા. આ આડા સંબંધમાં મૃતક બાદલ નડતરરૂપ રહેતો હતો. જેથી પોલીસકર્મી લલિત પટણીએ બાદલને ધમકી આપી ખસી જવા કહ્યું હતું. જો કે, બાદલે તેની વાત ન માનતા ગઈકાલે સાંજે બાદલ પર તેના બે મિત્રો સાથે મળી જીવણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાદલનું ઘટનાસ્થળે મૃત્યુ થયુ તો બીજી તરફ સુરેખા પટણી પર પણ યુવકોએ હુમલો કર્યો હતો. આ અંગે કૃષ્ણનગર અને નિકોલ પોલીસ વચ્ચે હદના વિવાદ સર્જાયા બાદ આખરે નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ભારેથી અતિભારે વરસાદની આગાહી, અઠવાડિયા સુધી સાર્વત્રિક વરસાદની આગાહી

નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર પોલીસકર્મી લલિત પટણીની શોધખોળ હાથ ધરી છે. તે અમદાવાદના જી ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે. તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ પોલીસકર્મી વિરુદ્ધ યુવતીઓના શોષણના આક્ષેપ લગાવ્યા છે. જેમાં પોલીસકર્મી લલિત મહિલાઓને નાની રકમની લોન આપી રોજનું વ્યાજ ઉઘરાવતો હતો અને જો કોઈ મહિલા વ્યાજ ન આપી શકે તો તેનું શારીરિક શોષણ પણ કરતો હતો. આ અંગે પોલીસને કોઈ ફરિયાદ ન મળી હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે. બીજી તરફ ફરાર પોલીસકર્મી લલિતનો ગુનાહિત ઇતિહાસ હોવાનો ન પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.

હત્યાને અંજામ આપી પોલીસકર્મી લલિત અને તેના સાગરીતો ફરાર થઈ ચૂક્યા છે. જેને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.