January 18, 2025

નિકોલના ભુવાલડી ગામે જમીન મામાલે ધીંગાણું, 10ની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ નિકોલ ભુવાલડી ગામે થયેલા ધીંગાણા મામલે નિકોલ પોલીસે 10ની ધરપકડ કરી છે. મૂળ માલિક કબજો લેવા જતા ગ્રામજનોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. ગ્રામજનો ઉશ્કેરણી કરનારા શખ્સો અને સરપંચના પતિ સહિત મુખ્ય આરોપીઓ હજી વોન્ટેડ છે.

મળતી માહિતી પ્રમાણે, આરોપીઓ તિક્ષ્ણ હથિયાર વડે આતંક મચાવ્યો હતો. ગત બપોરના સમયે નિકોલ ભુવાલડી ગામે પહોંચેલી જમીનના કબ્જેદાર ધીરુ પટેલના પુત્ર રીતેશ કુમાર પટેલ પહોંચ્યા હતા. તે સમયે ભુવાલડી ગામના લોકોએ હિંસક હુમલો કર્યોં હતો. આ સમગ્ર ઘટનાના લાઇવ વીડિયો સામે આવ્યા હતા. જેમાં 25થી 30 લોકોનાં ટોળાએ તલવાર, લાકડી અને દંડા જેવા તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. મૂળ માલિકના પુત્ર રીતેશ સાથે સર્વેયર અને અન્ય પાંચ લોકો જમીન માપણી માટે પહોંચ્યા હતા. ત્યાં અચાનક ગામના લોકોનું ટોળું આવીને હુમલો કરીને પથ્થરમારો કર્યો હતો. જેને લઈ નિકોલ પોલીસે રાયોટિંગ અને કાવતરું ઘડવા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, જમીનમાલિક કબજો લેવા પહોંચતા ગામમાં રહેતા વોન્ટેડ આરોપી ડાહ્યાભાઈ સોલંકી સ્પીકરમાં જાણ કરી ગામના લોકોને ભેગા કરીને ઉશેકરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ગામના સરપંચના પતિ જનક ઠાકોર, શંકર ઠાકોર અને દિલીપ ઠાકોરની મુખ્ય ભૂમિકા છે. જેમણે કાવતરું રચી અને ગામના લોકો સાથે ભેગા મળીને હુમલો કરી પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો. નોંધનીય છે કે, આ ભુવાલડી ગામમાં આવેલી 7.5 વીઘા જમીન વર્ષ 1975થી વિવાદમાં હતી અને કોર્ટ કેસ ચાલતો હતો. આ જમીન અગાઉ ગૌશાળા ભુવાલડી ટ્રસ્ટના નામે હતી પણ જમીન ખેડૂતના ગણોતિયા તરીકે ભુલાભાઈ કુબેરભાઈ હક્કની જગ્યા મેળવવા 17-08-2024ના રોજ દસ્ક્રોઈ મામલતદાર હુકમ કર્યો હતો આ ભુલાભાઈના દીકરા મૂળ માલિક તરીકે હાલ ધીરુ પટેલ અને અનિલ પટેલ સાથે ત્રણ બેન સહિત પાંચ લોકોના 7-12 નામ છે. જે પોતાના હક્કમાં આવેલી જમીન માપણી કરવા અને વાડ બાંધવા ગયા હતા અને તે સમયે હુમલો કર્યો હતો.

ભુવાલડી ગામની આ જગ્યા માટે ઘણા સમયથી વિવાદમાં હતી અને ગામમાં રહેલા સરપંચ દ્વારા મૂળ માલિક ના મળે તે માટે એક મંદિર બનાવી દેવામાં આવ્યું હતું, પણ મૂળ માલિક દ્વારા મંદિર સિવાયની જગ્યા પર પોતાનો કબજો લેવા ગયા હતા. હાલ નિકોલ પોલીસે આ આતંક મચાવનાર વોન્ટેડ તમામ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને હથિયારો કબજે કરવા માટેની તજવીજ હાથ ધરી છે.