Ahmedabadના રિષભને NEETમાં મળ્યા 720 માર્ક્સ, કહ્યું – રોજ 12 કલાક વાંચતો
અમદાવાદઃ મેડિકલ ફિલ્ડમાં એડમિશન લેવા માટે નીટની પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હોય છે. તેનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના એક વિદ્યાર્થીએ 720માંથી 720 માર્ક્સ મેળવ્યા છે.
અમદાવાદમાં રહેતો વિદ્યાર્થી રિષભ શાહ નીટની પરીક્ષામાં ટોપર બન્યો છે. નીટની પરીક્ષામાં તેણે 720માંથી 720 માર્ક્સ મેળવ્યા છે. તેણે જણાવ્યુ છે કે, નીટની પરીક્ષા ક્લિયર કરી મેડિકલ ક્ષેત્રે જવાનું મારી બહેનનું સપનું પૂરું કર્યું છે.
રિષભ આ અંગે જણાવતા કહે છે કે, આ સમગ્ર જર્ની દરમિયાન મારા માતાપિતા અને બહેન સહિત દરેક પરિવારજન અને ગુરુજનનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. નીટનું પેપર આપીને નીકળ્યો ત્યારે આશા હતી કે, 700 માર્ક્સ આવશે. પરંતુ રિઝલ્ટ આવ્યું ત્યારે 720 માર્ક્સ આવતા મારા સહિત મારા પરિવારજનો ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.
તેઓ જણાવે છે કે, ‘નીટની પરીક્ષા પાસ કરવા માટે ટાઇમટેબલ પ્રમાણે ચાલવું પડે છે. હું છેલ્લા 2 મહિનાથી 19થી 12 કલાક મહેનત કરતો હતો. મારા મમ્મી-પપ્પાએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો હતો. મારી બહેન પણ મને ખૂબ જ મદદ કરતી હતી. પરિશ્રમ સિવાય કોઈ ઓપ્શન જ નથી, કોઈ શોર્ટકટ નથી. ’ તેઓ જણાવે છે કે, અભ્યાસ બાદ રિલેક્સ થવા બેડમિન્ટન રમતો અને સંગીત સાંભળતો હતો.
તેઓ મહેનત વિશે વાત કરતા કહે છે કે, નીટના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સનો વિષય અઘરો હોય છે. એ માટે સતત મહેનત કરતા રહેવું જોઈએ અને બને તેટલા વઘુમાં વધુ એમસીક્યૂ સોલ્વ કરવા જરૂરી છે. આગળ મને એઇમ્સ દિલ્હીમાં જવાની ઇચ્છા છે.