October 6, 2024

અનોખો ગુજરાતી ખેલૈયો, 3 કિલોના કંદોરા સાથે તૈયાર કર્યો અનોખો કોસ્ચ્યૂમ

અમદાવાદઃ નવરાત્રિનો રંગ જામી ચુક્યો છે. ત્યારે આજે વાત કરવી છે એક એવા વ્યક્તિની કે જેણે અદ્ભુત કોસ્ચ્યૂમ ડિઝાઇન કર્યો છે. જિગ્નેશ ફુમકિયા નામના આર્ટિસ્ટે અનોખો પોશાક બનાવ્યો છે. આ પોશાકમાં ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. અસ્સલ ગુજરાતી લાગતો આ વેશ અનારકલી શૈલીમાં બનાવવામાં આવ્યો છે. જેમાં વિવિધ પ્રકારની નાની નાની ડિઝાઇન ટાંકવામાં આવી છે. આ કોસ્ચ્યુમને ‘વ્રજવાસી અનારકલી ડ્રેસ’ નામ આપ્યું છે. તેને પુરુષ અને સ્ત્રી બંને પહેરી શકે છે.

કલમકારી પ્રિન્ટના કાપડ પર આ કોસ્ચ્યુમ બનાવવામાં આવ્યો છે અને તેના પર ભરતગૂંથણ કરવામાં આવ્યું છે. ધોતી ટાઇપના પાયજામા સાથે એક પછેડી પણ બનાવી છે. કંદોરો સિવાય હાથના રજવાડી કડા, ગળામાં પહેરવાની હાંસડી અને ઇયર કબ્સ સહિતની જ્વેલરી પણ ડિઝાઇન કરી છે. હાથમાં પહેરવાની વિવિધ વીંટીઓ પણ ડિઝાઇન કરી છે.

કંદોરામાં ગણપતિ, શ્રીનાથજી, રાધેક્રિષ્નના વુડન સ્કલ્પચર લગાવ્યા છે. કમળ, ગાય, હાથી, જરીવાલના કાચના મોતી, કઠપૂતળીનો ઉપયોગ કર્યો છે. આ કંદોરાનો વજન આશરે 3થી સાડા ત્રણ કિલો છે. આર્ટિસ્ટ જિગ્નેશે કોસ્ચ્યૂમની સાથે શૂઝ મેચિંગ થાય તે માટે તેમાં પણ સ્પેશિયલ ડિઝાઇન મૂકી છે. જરી-કસબની દોરી, ઓક્સોડાઇઝના કંદોરાને કટ કરી તેનો ઉપયોગ કર્યો છે. ગુલાબના આર્ટિફિશિયલ ફૂલ પણ મૂક્યાં છે. આપણા દરેક તહેવારમાં આ પોશાક પહેરી શકાય છે. કોઈપણ સારા પ્રસંગે આ ભાતીગળ પોશાક પ્રસંગમાં ચાર ચાંદ લગાવે છે.