December 26, 2024

નારોલમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી ક્રૂર હત્યા, પતિએ છરીના 20 ઘા ઝીંક્યા

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ એકપછી એક એમ 20 જેટલા છરીના ઘા ઝીંકી પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી છે. હત્યા કર્યા બાદ બનાવની જાણ તેના સાળા કરવા માટે ફોન કરીને ફોટોગ્રાફ પણ મોકલી આપ્યા હતા.

શહેરના નારોલ વિસ્તારમાં પતિએ જ પત્નીની હત્યા કરી દીધી છે. નારોલમાં આવેલા તીર્થ ટુ એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશ શાહે 14 વર્ષ પહેલા સ્વાતિ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા બે વર્ષથી અહીં નારોલ વિસ્તારમાં રહે છે. જો કે, કેટલાક સમયથી બંને વચ્ચે નાની નાની બાબતોને લઈને બોલાચાલી ઝઘડા થતા હતા. જેને લઈને નિલેશે 4 ઓક્ટોબરે વહેલી સવારે સ્વાતિ સૂઈ રહી હતી. ત્યારે 15થી 20 જેટલા છરીના ઘા મારીને હત્યા કરી દીધી છે.

મૃતક સ્વાતિનો પતિ નિલેશ અવારનવાર તેના ચારિત્ર્ય પર શંકા કરીને ઝઘડો કરતો હતો. તેની પણ નિલેશે તેના સાળાને જાણ પણ કરી હતી. સ્વાતિની હત્યા કર્યા બાદ નિલેશે તેના સાળાને ફોન કરીને ‘મૈને તેરી દીદી કો માર ડાલા હૈ’ તેવું કહીને બનાવ અંગેની જાણ કરી હતી. પરંતુ નિલેશનો સાળો મજાક સમજતો હોવાથી તેને હત્યા કરેલો ફોટો વોટ્સએપમાં પણ મોકલી આપ્યા હતા. ત્યારબાદ નારોલ પોલીસમાં જાણ કરી હતી અને હત્યારા પતિની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હત્યારા પતિ નિલેશે પત્ની સ્વાતિને 15થી 20 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી નાંખી હતી. આ મામલે તેના ભાઈ ભૂપેન્દ્ર પરાસરની ફરિયાદ લઈ આરોપી નિલેશ શાહની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જોકે, પતિએ તેના હાથમાં પત્નીના નામનું ટેટૂ પણ કરાવ્યું છે, જેનું નામ હાથ પર લખ્યું છે તે જ હાથથી તેની હત્યા કરનારા આરોપીની તપાસ શરૂ કરવામાં આવી છે.