December 26, 2024

અમદાવાદમાં ઘરકંકાસમાં યુવકની હત્યા, પત્ની-સાસુ અને સાળાની ધરપકડ

ahmedabad narol Murder youth three accused wife mother-in-law brother-in-law arrested

મૃતકની ફાઇલ તસવીર

મિહિર સોની, અમદાવાદઃ શહેરના નારોલમાં ઘરકંકાસમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પત્ની, સાસુ અને સાળાએ લાકડાનાં ફટકા મારીને હત્યા કરી નાંખી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને 3 આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના પૂર્વ વિસ્તારના નારોલમાં સ્વપ્નિલ મેકવાન નામનો યુવક દીકરીને મળવા આવ્યો હતો. ત્યારે પત્ની જુલી સાથે તકરાર થઈ હતી અને તકરાર એટલી ઉગ્ર થઈ કે, સ્વપ્નિલની પત્ની જુલી અને તેની સાસુ માનકુંવરબેન વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન મૃતકનો સાળો જોન્ટી આવી ગયો હતો અને તેને લાકડાનાં ફટકાં મારતા સ્વપ્નિલનું મોત નીપજ્યું હતું. નારોલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી પત્ની, સાસુ અને સાળાની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ, કચ્છ-સૌરાષ્ટ્રમાં માવઠું

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સ્વપ્નિલ મેકવાને વર્ષ 2012માં જુલી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં નવ વર્ષની એક દીકરી છે. જો કે, છેલ્લા ત્રણ વર્ષથી પત્ની જુલી અને સ્વપ્નિલ વચ્ચે મનમેળ નહીં હોવાથી બંને અલગ અલગ રહેતા હતા. પત્ની જુલી તેની નવ વર્ષની દીકરીને લઇને માતા-પિતાના ઘરે રહેવા જતી રહી હતી. ગઈકાલે બપોરના સમયે સ્વપ્નિલ પત્ની સાથે રહેતી દીકરીને મળવા માટે આવ્યો હતો. જ્યાં પત્ની અને સાસુ દ્વારા સ્વપ્નિલને દીકરીને રમાડવાની ના પાડવામાં આવી હતી. તેમાં તકરાર થઈ હતી અને હત્યાની ઘટના બની હતી.

આ પણ વાંચોઃ રાજકોટની વિદ્યાર્થિનીઓનાં પ્રોજેક્ટની આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી, ગોલ્ડ મેડલ જીત્યો

હાલ તો મૃતક સ્વપ્નિલના ભાઈ સ્ટીવન મેકવાનની ફરિયાદને આધારે નારોલ પોલીસે હત્યા કેસમાં પત્ની, સાસુ અને સાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, હત્યા પાછળનું કારણ પુત્રીને નહીં રમાડવા દેવાની તકરાર જ છે કે અન્ય કોઈ કારણ છે જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.