December 23, 2024

ભોજનમાં મીઠું વધુ પડી જતા પતિએ કરી પત્નીની હત્યા, પોલીસે ઝડપી પાડ્યો

મિહિર સોની, અમદાવાદઃ ભોજનમાં મીઠું વધારે પડતાં પતિએ પત્ની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પત્નીના પરિવારજનોને સીધા હોસ્પિટલમાં બોલાવીને હત્યાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ફરિયાદીને શંકા જતા તેની બહેનનું કુદરતી મોત નહીં હત્યા થઈ હોવાનું સામે આવતા નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી પ્રમાણે, નારોલમાં રહેતા પત્ની અનિલાબેને 22 તારીખના રોજ મજૂરી પરથી પરત આવીને પતિ અને બાળકો માટે ભોજન બનાવ્યું હતું. તેમાં પતિ સનું ઉર્ફે સુનીલ ડામોરને જમવામાં મીઠું વધારે પડી જવાથી પત્ની સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પતિ સનુએ પત્ની અનિલાને મૂઢમાર માર્યો હતો. જેમાં પત્ની અનિલાને છાતીનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે નારોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી સનું ઉર્ફે સુનિલ ડામોરની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

પત્નીની હત્યા બાદ હોસ્પિટલ પહોંચેલા પતિએ મૃતક અનિલાના પરિવારજનોને હત્યાની માહિતી છુપાવી હતી અને ખોટી રજૂઆત કરી હતી. એટલે પોતે કરેલી હત્યા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મૃતકની બહેનને અનિલાના મોત અંગે શંકા જતા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં મૃતક અનિલાની હત્યા થઈ હોવાનું સામે આવતા નારોલ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.

જમવામાં મીઠું વધારે પડવા જેવી સામાન્ય બાબતમાં પતિએ પત્નીની હત્યા કરી પરિવારનો માળો વિખેરી નાંખ્યો છે. હવે ત્રણ બાળકો માતા-પિતા વગરના નોંધારા બની ગયા છે.