December 26, 2024

AMCએ કોલેજ સીલ કરી તો અધ્યાપકોએ રોડ પર બેસાડી વિદ્યાર્થીઓને ભણાવ્યાં!

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ શહેરની વિવેકાનંદ કોલેજને કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવતા કોલેજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને રોડ પર અભ્યાસ કરાવીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા તમામ વિભાગોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઇને કોલેજને કરવામાં આવેલું સીલ હજુ સુધી ખોલવામાં નથી આવ્યું.

રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શોપિંગ મોલ, શાળા, કોલેજો સહિત રેસ્ટોરન્ટ્સ સામે કાર્યાવાહી કરવામાં આવી રહી છે. જેને પગલે અમદાવાદની અનેક પ્રિ-પ્રાયમરી સ્કૂલ અને ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યાં છે. પરંતુ શાળાઓને બાંહેધરી આપીને ખોલી દેવામાં આવી છે. જ્યારે શહેરની એકમાત્ર કોલેજને પણ તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવી છે. રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજને પણ તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓને રસ્તા પર અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

અમદાવાદની એકમાત્ર કોલેજ વિવેકાનંદ કોલેજને સીલ કરી દેવામાં આવી છે. ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં શાળાના અધ્યાપકે જણાવ્યું હતું કે, બીયુ પરમિશન ન હોવાથી છેલ્લા 42 દિવસથી કોલેજને સીલ કરી દેવામાં આવી છે. જેને કારણે વિદ્યાર્થીઓનાં અભ્યાસને અસર પડી રહી છે. જેને કારણે સરકારની આંખ ખૂલે અને વિદ્યાર્થીલક્ષી નિર્ણય લઇને કોલેજનું સીલ ખોલે તે માટે વિદ્યાર્થીઓને રોડ પર અભ્યાસ કરાવાવમા આવી રહ્યો છે. બીયુ પરમિશન અંગેની એપ્લિકેશન દોઢ વર્ષ અગાઉ આપવામાં આવી હોવાં છતાં પણ તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી.

સીલ હોવાને કારણે હાલમાં ચાર હજાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે અને આગામી શૈક્ષણિક વર્ષ માટે વિદ્યાર્થીઓનાં એડમિશનની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે તે ક્યાં કરવી તે પણ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જે વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઈ ચૂક્યો છે અને જે વિદ્યાર્થીઓની માર્કશિટ વેરિફિકેશન કરવાનું હોય તે કાર્યવાહી પણ થઈ શકતી નથી. ત્યારે કોલેજ આગામી સોમવારથી 3 લેક્ચર રસ્તા પર બેસીને ભણાવવાનું મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.