May 19, 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર નિવૃત અધિકારીઓનું રાજ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નિવૃત અધિકારીઓ પર ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. ફરજ બજાવતા અધિકારીઓ નિવૃત થયા બાદ પણ કોન્ટ્રાક્ટ ઉપર અથવા ફરજ પરનો સમય એક અથવા બે વર્ષ માટે વધારી કોર્પોરેશનના હોદ્દા ઉપર ફરજ બજાવતા હોય છે. મનપાના એસ્ટેટ સહિત અનેક વિભાગમાં એવા કેટલાક અધિકારીઓ છે જેઓ નિવૃત્તિ બાદ પણ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ મેળવી હાલ ફરજ બજાવી રહ્યા છે. નિવૃત્તિ બાદ પણ અધિકારીઓને નોકરી પર રાખવામાં આવતાં હોવાને કારણે જુના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમોશન નથી મળી રહ્યું.

AMC એસ્ટેટ વિભાગ જેમાં ગેરકાયદેસર બાંધકામો, દબાણો, બીયુ પરમિશન, નવી ટીપી સ્કીમ અમલ, ઇમ્પેક્ટ ફી, સીટી પ્લાનિંગ વગેરે જેવી વિવિધ કામગીરી થતી હોય છે. જોકે આ વિભાગમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખી લેવામાં આવે છે અને નવા યુવા અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે વર્ષ 2021 ના ઠરાવ મુજબ કોઈ પણ અધિકારીને નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર નોકરી રાખવામાં આવે તો તેની પાસે સહી કરવાના કોઈ પાવર રહેતા નથી. છતાં કેટલાક અધિકારીઓ સહી કરી વહીવટ ચલાવી રહ્યા હોવાની વાતો સામે આવીઓ રહી છે. જો પાવર મનપા દ્વારા આપવામાં આવે તો તેનો સર્ક્યુલર થવો જોઈએ. વિભાગના અનેક અધિકારીઓને કર્મચારીઓમાં ચર્ચા જાગી છે કે કેટલાક હોદ્દા ઉપર નિવૃત્ત થયેલા અધિકારીઓ એ અડ્ડો જમાવી દીધો છે.

એસ્ટેટ વિભાગમાંથી અનેક અધિકારીઓ નિવૃત્ત થયા છે તો આગામી છ મહિનામાં કેટલાક અધિકારીઓ નિવૃત્ત થવાના છે ત્યારે નિવૃત્ત અધિકારીઓને ફરજ પરનો એક- બે વર્ષનો સમય વધારી અથવા કોન્ટ્રાક્ટ પર તેમને ફરીથી નોકરી પર રાખવામાં આવે છે. રાજ્ય સરકારનો પરિપત્ર છે કે જે કોઈપણ વ્યક્તિને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે તો તેને કોઈપણ પ્રકારના પાવર આપવામાં આવતા નથી. રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેવાની હોય છે અને તેઓને કોઈપણ પ્રકારના પાવર આપવામાં આવતા નથી પરંતુ કોર્પોરેશનમાં પણ એસ્ટેટ વિભાગમાં કેટલાંક માનીતા અધિકારીઓને નિવૃત્તિ બાદ પણ વર્ષોથી એક્સટેંશન આપવામાં આવી રહ્યું છે.

કોણ કોણ નિવૃત્ત અધિકારી જેઓ ફરજ બજાવે છે

– વિજય રાવલ, એસ્ટેટ ટીડીઓ વિભાગ
– સી આર ખરસાણ, ડે.મ્યુ કમિશનર
– રમેશ મેરજા, ડે.મ્યુ કમિશનર
– સતીશ પટેલ, ડે.મ્યુ કમિશનર
– આઇ.કે પટેલ, ડે.મ્યુ કમિશનર
– વિનોદ પ્રજાપતિ, એસ્ટેટ વિભાગ
– આર કે સહુ, ડાયરેક્ટર , કાંકરિયા ઝૂ
– કિરીટ સિણોજીયા, એસ્ટેટ વિભાગ