પ્રથમ વરસાદે ખોલી AMCની પોલ, ઠેર-ઠેર ભૂવાઓ ‘ને ખાડારાજ
અમદાવાદઃ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે પ્રથમ વરસાદમાં જ તંત્રની નબળી કામગીરીના દ્રશ્યો સામે આવ્યા છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે. ત્યાં જ તંત્રની પોલ ખુલી પડી છે. પ્રથમ વરસાદમાં જ ક્યાંક ભૂવા પડ્યા તો ક્યાંક ખાડારાજ જોવા મળી રહ્યું છે.
ભારે વરસાદ વરસતા રોડ રસ્તા ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે. જેને લઇને હવે તંત્ર જાગ્યું છે. ભારે વરસાદ બાદ રોડના સમારકામની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. સમારકામની કામગીરીને લઇને 45 દિવસ સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જ્યાં અમદાવાદના સ્કાય સિટી નજીક રોડ બેસી જવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. રોડ રસ્તાની બદતર હાલથી લોકોને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે.
8 જિલ્લામાં વરસાદની આગાહી
રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. દાહોદ, છોટા ઉદેપુર, મહિસાગર, નર્મદા, સુરત, નવસારી જિલ્લામાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયામાં ન જવા માટે સૂચના પણ આપી છે.